સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. હોસ્પિટલનાં પ્રાંગણમાંથી એક એવું હ્રદયદ્રાવક અને લાચારીભર્યું દશ્ય સામે આવ્યું છે, જેમાં 70 વર્ષના વૃદ્ધા હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં જાતે સ્ટ્રેચર ખેંચીને પોતાના સ્વજનને સારવાર માટે લઈ જવા માટે મજબૂર હોવાનો વિડીયો સામે આવ્યો છે. પરંતુ આંખો ભીની કરી દેતી આ વાસ્તવિકતા સામે તંત્ર દ્વારા માત્ર તપાસ ચાલુ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલનાં ડ્રાઇવરોનાં રાજીનામાનો વિવાદ પણ ચર્ચામાં છે. જોકે સિવિલ હોસ્પિટલનાં મીડિયા કો-ઓર્ડીનેટરે આ વાતમાં કોઈ તથ્ય ન હોવાનું જણાવ્યું છે. અને દર્દીઓને કોઈપણ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી આપી છે.
દર્દીઓની સહાય માટેનો સ્ટાફ ક્યાં ગાયબ થઈ જાય છે તે સૌથી મોટો સવાલ
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આશરે 70 વર્ષનાં એક વૃદ્ધા પોતાના સ્વજનની સારવાર માટે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જાતે જ સ્ટ્રેચર ખેંચી અને ધક્કા મારી રહ્યા છે. જે ઉંમરે વ્યક્તિએ પોતાના પરિવારના હૂંફ અને આરામની જરૂર હોય છે, તે ઉંમરે આ માસૂમ વૃદ્ધાને હોસ્પિટલની લાચાર વ્યવસ્થાઓ સામે ઘૂંટણ ટેકવીને જાતે સ્ટ્રેચર તાણવું પડી રહ્યું છે. ત્યારે દર્દીઓની સહાય માટેનો સ્ટાફ ક્યાં ગાયબ થઈ જાય છે તે સૌથી મોટો સવાલ છે.
આરએમઓ લેવલથી તપાસ શરૂ
આ મામલે સિવિલ હોસ્પિટલનાં મીડિયા કો-ઓર્ડીનેટર ડો. એમ એસ રોયે જણાવ્યું હતું કે, આપનાં માધ્યમથી આ વીડિયો અમારા ધ્યાન ઉપર આવ્યો છે. જેને લઈને આ અંગે આરએમઓ લેવલથી તપાસ શરૂ કરવામાં આવી છે. આ ખરેખર ગંભીર બેદરકારી છે, હોસ્પિટલમાં આ પ્રકારના દર્દીઓની સેવા માટે ખાસ હેલ્પડેસ્ક સહિતની ટીમો તૈનાત કરવામાં આવી છે. છતાં વૃદ્ધા કયા કારણે જાતે સ્ટ્રેચર ખેંચી રહ્યા છે ? તે અંગે તપાસ કરવામાં આવશે અને આ માટે જે કોઈની બેદરકારી સામે આવશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની મુશ્કેલી કોઈપણ દર્દીને પડે તે ચલાવી લેવામાં આવશે નહીં.