પોસ્ટમેન દ્વારા ઘરેબેઠા ‘જીવન પ્રમાણપત્ર’ મળશે

રાજ્ય સરકારના નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરારના અનુસંધાને રાજકોટ અને મોરબી જિલ્લાના પેન્શનધારકો માટે એક અત્યંત રાહતરૂપ અને મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે પેન્શનધારકોને ઘરે બેઠા જ ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા અમલમાં આવવાથી હવે વડીલો અને પેન્શનધારકોએ જીવન પ્રમાણપત્ર જમા કરાવવા માટે બેંક કે પોસ્ટ ઓફિસની લાંબી લાઇનોમાં ઊભા રહેવાની કે ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં.

1 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન અભિયાન ચલાવાશે
રાજકોટ ડિવિઝનના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોસ્ટ ઑફિસ એસ. કે. બુન્કરે આ અંગે વિસ્તૃત જણાવ્યું છે કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વડીલો અને પેન્શનધારકોને અત્યંત સરળ, સુલભ અને ઘરઆંગણે જ સરકારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી આગામી તા. 1 નવેમ્બરથી 30 નવેમ્બર, 2026 દરમિયાન ‘જીવન પ્રમાણ’ એપ્લિકેશનના માધ્યમથી આ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. આ સેવાના ભાગરૂપે પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો સીધા પેન્શનધારકોના ઘરે રૂબરૂ મુલાકાત લેશે અને ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવવા માટેની સમગ્ર પ્રક્રિયા સ્થળ પર જ પૂર્ણ કરાવશે. એટલું જ નહીં, જે નાગરિકો રૂબરૂ પ્રક્રિયા કરવા ઈચ્છતા હોય તેઓ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરીને પણ આ સુવિધાનો લાભ મેળવી શકશે.

PPO નંબર હોવો અનિવાર્ય
આ ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ રાખવામાં છે. જેના માટે પેન્શનધારકો પાસે આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક થયેલો ચાલુ મોબાઈલ નંબર અને પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે PPO નંબર હોવો અનિવાર્ય છે. પોસ્ટમેન દ્વારા ડિજિટલ બાયોમેટ્રિક પ્રમાણીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, ત્યારબાદ તરત જ પેન્શનધારકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસ.એમ.એસ. દ્વારા ‘પ્રમાણ આઇ.ડી.’ મોકલી આપવામાં આવશે. આ પ્રમાણ આઇ.ડી.ના માધ્યમથી પેન્શનધારકો જીવન પ્રમાણની સત્તાવાર વેબસાઇટ https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી ગમે ત્યારે પોતાનું ઓરિજિનલ ડિજિટલ જીવન પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *