રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવરાત્રી અને દશેરાના તહેવારોને ધ્યાનમાં રાખીને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે ફૂડ સેફટી ટીમ દ્વારા કુલ 39 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન મોમોઝ, ફરસાણ, વિવિધ પ્રકારની મીઠાઈઓ, ડેરી પ્રોડક્ટ્સ, કોલ્ડ ડ્રિંક્સ, તેલ, મસાલા અને ખાદ્ય તેલના શંકાસ્પદ 44 જેટલા નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, તેમજ બજારમાંથી 36 કિલો અખાદ્ય અને વાસી જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન ફૂડ વિભાગની ટીમને વિવિધ સ્થળોએથી કુલ 36 કિલો જેટલો અખાદ્ય, વાસી અને એક્સપાયર્ડ જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં મોમોનીસ ફૂડટ્રકમાંથી વાસી અને પડતર પેક કરેલ ફ્રોજન મોમોસ, મનચુરીયન પેસ્ટ તેમજ દાઝેલું તેલ મળી કુલ 23 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરી નાશ કરાયો હતો. આ ઉપરાંત સીતારામ ડેરીમાંથી 9 કિલો વાસી મીઠાઈ અને 4 કિલો એક્સપાયર થયેલ ચેરી તથા કરોન્ડા મળી કુલ 13 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આ તપાસ અભિયાન અંતર્ગત કુલ 03 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી અને નિયમોના ભંગ બદલ કુલ રૂ. 2,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
3 રાસ ગરબા ગ્રાઉન્ડ પર આવેલા ફૂડ સ્ટોલ્સનું પણ વિશેષ ચેકિંગ
તહેવારોની મોસમમાં ફરસાણ, મીઠાઈઓ અને રો-મટિરિયલ્સની માંગ વધુ રહેતી હોવાથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ મીઠાઈ, ફરસાણ અને અન્ય કાચા માલના કુલ 44 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, ઉત્સવ માહોલને ધ્યાનમાં રાખીને 03 રાસ ગરબા ગ્રાઉન્ડ પર આવેલા ફૂડ સ્ટોલ્સનું પણ વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું હતું.