રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલા હૈમાય સ્ટીલના ભંગારના ડેલામાં રવિવારે સાંજે આગ લાગતા 3 મજૂર દાઝી ગયા હતા. જેથી તાત્કાલિક ત્રણેયને 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. મચ્છર – વાંદાની હિટના ડબ્બા સ્ક્રેપ દરમિયાન દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
વાંદા-મચ્છર મારવાના સ્પ્રેની બોટલ સ્ક્રેપ કરતી સમયે આગ લાગી
રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, રોલેક્સ રોડ પર સાઈબાબા સર્કલની બાજુમાં હૈમાય સ્ટીલ ભંગારના ડેલામાં સ્ક્રેપ કરવાની મશીન, ભંગારના જથ્થા તથા અન્ય ઇલેક્ટ્રિક વાયરિંગમાં આગ લાગી હતી. ફાયર ટીમે સૌપ્રથમ ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ કરાવી જરૂરી તકેદારી સાથે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયર કર્મચારીઓની સમયસૂચક કામગીરીને કારણે આસપાસના વિસ્તારોમાં આગ ફેલાતી અટકાવી શકાઈ હતી અને વધુ નુકસાન થતું અટક્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, અહીં ભંગાર તરીકે આવેલા મચ્છર તથા વાંદા મારવાની હિટના ખાલી ડબ્બાઓને સ્ક્રેપ કરવાની મશીનમાં પ્રેસ કરતી વખતે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ દાઝી જતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
દાઝી ગયેલા મજૂરોના નામ
દાઝી ગયેલા વ્યક્તિઓમાં મંગેશભાઈ તિલકરામ (ઉં.વ.18 વર્ષ), જગતભાઈ રામકુબેર (ઉં.વ.38) અને પ્રદીપભાઈ રામકુબેર (ઉં.વ.18)નો સમાવેશ થાય છે. ત્રણેય વ્યક્તિઓ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.ફાયર વિભાગે અંદાજે રૂ. 3.7 લાખની કિંમતનો માલસામાન બચાવી લીધો હતો. બનાવ સમયે આજીડેમ પોલીસ સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યો હતો.