રૅપર અને સિંગર યો યો હની સિંહની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. મહારાષ્ટ્ર સાયબર સેલે કોન્સર્ટમાં કથિત વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે પૂછપરછ માટે 16 ઑક્ટોબરે હાજર થવાના સમન્સને ટાળવાની તેની માંગને ફગાવી દીધી છે. હની સિંહે 22 ઑક્ટોબરે હાજર થવાની મંજૂરી માંગી હતી. અધિકારીઓએ ચેતવણી આપી છે કે, જો તે નિર્ધારિત તારીખે હાજર નહીં થાય, તો તેની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (LOC) જારી કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
મહારાષ્ટ્ર સાયબર સેલે હની સિંહને કથિત વાંધાજનક ટિપ્પણીના મામલે પૂછપરછ માટે બોલાવ્યો હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેને અગાઉ પણ હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે પૂછપરછમાં સામેલ થયો નહોતો.
સમાચાર એજન્સી ANI મુજબ, હની સિંહે પહેલા 5 ઑક્ટોબરે હાજર થવામાં અસમર્થતા દર્શાવી હતી અને ત્યારબાદ વધારાનો સમય માંગ્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે તે વિદેશમાં હોવાથી હાજર થઈ શકશે નહીં. ત્યારબાદ સાયબર સેલે તેને 16 ઑક્ટોબરે હાજર થવા માટે ફરીથી સમન્સ મોકલ્યું.
હની સિંહે હવે પૂછપરછ માટે 22 ઑક્ટોબરે હાજર થવાની મંજૂરી માંગી હતી, પરંતુ મહારાષ્ટ્ર સાયબર સેલે તેની આ માંગ સ્વીકારી નથી. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે, જો તે નિર્ધારિત તારીખે પણ હાજર નહીં થાય, તો તેના વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
હની સિંહ વિરુદ્ધ શું છે મામલો?
આ સમગ્ર મામલો દિલ્હીમાં આયોજિત એક કોન્સર્ટ સાથે સંબંધિત છે, જ્યાં હની સિંહે કારમાં શારીરિક સંબંધ બાંધવા અંગે કથિત રીતે અશ્લીલ ટિપ્પણી કરી હતી.
કાર્યક્રમની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સે તેની આકરી ટીકા કરી હતી. વિવાદ વધ્યા બાદ સાયબર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો. સાયબર સેલ આ જ મામલાની તપાસના ભાગરૂપે તેમની પૂછપરછ કરવા માંગે છે.
હની સિંહે વીડિયો જાહેર કરીને માફી માંગી હતી
મામલાને લઈને વિવાદ થયા બાદ હની સિંહે એક વીડિયો જાહેર કરીને માફી માંગી હતી. તેણે કહ્યું હતું કે, ‘વીડિયો ક્લિપને આ રીતે એડિટ કરવામાં આવી હતી, જેના કારણે લોકોને ઠેસ પહોંચી.’
તેણે કહ્યું હતું કે, તેનો ક્યારેય કોઈને ઈજા પહોંચાડવાનો, અપમાનિત કરવાનો કે ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો.
પોતાની કમેન્ટનો સંદર્ભ સમજાવતા હની સિંહે કહ્યું હતું કે, તેણે એક જાણીતા ગાયનેકોલોજિસ્ટ સાથે વાત કરી હતી. ડૉક્ટરે યુવાનોમાં અસુરક્ષિત સેક્સને કારણે સેક્સ્યુઅલ ઇન્ફેક્શન વધવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.