ગોંડલ APMCના પૂર્વ ચેરમેન સ્વ. જેન્તીભાઈ સવજીભાઈ ઢોલની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ ઉઠી છે. આ અંગે સ્થાનિક અગ્રણીઓ અને અરજદારોએ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા સેક્રેટરીને લેખિત રજૂઆત કરી છે. ગોંડલ ન્યુ માર્કેટિંગ યાર્ડના વિકાસમાં સ્વ.જેન્તીભાઈ ઢોલના યોગદાનને યાદ કરીને તેમને સન્માન આપવા માટે યાર્ડ પરિસરમાં પ્રતિમા સ્થાપિત કરવાની માગ કરવામાં આવી છે.
બે દાયકા સુધી ખેડૂતો અને વેપારીઓના હિતમાં સેવા આપી
અરજદારોના જણાવ્યા અનુસાર, સ્વ.જેન્તીભાઈ ઢોલે ગોંડલ ન્યુ માર્કેટિંગ યાર્ડને વિકાસના શિખરે પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે સતત બે દાયકા સુધી ખેડૂતો અને વેપારીઓના હિતમાં સેવા આપી હતી. તેમના યોગદાનને યાદગાર બનાવવા અને નવી પેઢીને તેમની સેવાઓથી પરિચિત કરાવવા માટે યાર્ડમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવાની લોકમાંગ ઊઠી છે.
માર્કેટિંગ યાર્ડ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં ન્યુ APMC પરિસરમાં પ્રતિમા સ્થાપિત કરવા માટે આશરે 15×15 ફૂટ અથવા 100 ચોરસ વાર જગ્યા ફાળવવાની માગ કરવામાં આવી છે. અરજદારોએ સ્પષ્ટ કર્યું છે કે પ્રતિમા તૈયાર કરવાથી લઈને તેની આસપાસ સુશોભન કરવા અને સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવા સુધીનો તમામ ખર્ચ તેઓ પોતે ભોગવશે. આ માટે માર્કેટિંગ યાર્ડ તંત્ર પાસેથી માત્ર જરૂરી જગ્યા અને પ્રતિમા સ્થાપિત કરવાની યોગ્ય મંજૂરી આપવાની અપીલ કરવામાં આવી છે. આ રીતે યાર્ડ પર આર્થિક ભાર મૂક્યા વિના સ્વ.જેન્તીભાઈ ઢોલને શ્રદ્ધાંજલિ આપી શકાય તેવી રજૂઆતનો આશય છે.