રાજકોટ તાલુકાના જીયાણા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ON DUTYના બોર્ડ મારી ખનિજ ચોરી કરતાં 4 ડમ્પર સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે.
ખાણ ખનિજ વિભાગની ટીમે 80 લાખનો મુદ્દામાલ સીઝ કરીને ત્રણ ચાલકોને કુવાડવા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. હવે ખનિજ ચોરીનો માલ મેળવનાર વિરલ ડેવલોપર્સના ત્યાં તપાસ હાથ ધરી ખનિજ વિભાગ તેને પણ દંડ ફટકારશે.
ચોક્કસ બાતમીના આધારે રાજકોટ ખાણ ખનિજ વિભાગની ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર કિશન રાંણવાની ટીમે દરોડા પાડીને ગેરકાયદેસર સોફ્ટ મોરમની ચોરી કરતાં ડમ્પર ચાલક સુરેશ મછાર રહે. જાંબુવા સહિત ત્રણની અટક કરી હતી, જ્યારે અન્ય ખનિજ ચોરો નાસી છૂટતાં તેની તપાસ હાથ ધરાઈ છે.
ગત 8ના મધ્ય રાત્રિના સોફ્ટ મોરમ ચોરી કરીને ડમ્પરો મારફતે વિરલ ડેવલોપર્સની વેરહાઉસની જગ્યામાં નાખીને પુરાણ કરતા હતા. આ ખનિજ ચોરીમાં ગીરગંગા પરિવારના સભ્યોની સંડોવણી છે કે કેમ તે અંગે ત્રણ ડમ્પર ચાલકોની પૂછપરછ દરમિયાન સામે આવશે.
ભાડે રાખેલા ડમ્પર ચાલકો સ્ટિકરનો ગેર ઉપયોગ કરે છે : પ્રમુખ સખિયા
ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખિયાનું કહેવું છે કે, અમે માર્ચ, એપ્રિલ, મે મહિનામાં ભાડે ડમ્પરો રાખી નાના-મોટા ચેકડેમ રિપેરિંગના કામો કર્યા હતા.એ બાદ વાહનોમાંથી સ્ટિકર કાઢ્યા ન હોવાથી ચાલકો ગેર ઉપયોગ કરતા હશે. અમે માટી ઉપાડવાનું કામ બંધ કરી દીધું છે. અમારા મેમ્બરો સાથે ચર્ચા- વિમર્સ કર્યા બાદ જરૂર પડ્યે કાયદાકીય પગલાં ભરીશ.