GenZ માં કમર-ગરદનના દુખાવાની સમસ્યા વધી

આજે વર્લ્ડ સ્પાઇન ડે છે ત્યારે છેલ્લા લગભગ 5 થી 7 વર્ષથી GenZ માં કમર અને ગરદનના દુખાવાની સમસ્યા વધી રહી છે. લાંબા સમય સુધી બેસીને કામ કરવું, મોબાઇલ-કમ્પ્યુટરનો વધુ ઉપયોગ, ખોટી બેઠક વ્યવસ્થા અને બદલાતી જીવનશૈલી કરોડરજ્જુના આરોગ્યને અસર કરી રહી છે. ઇન્ડોસ્પાઇન હોસ્પિટલે કરોડરજ્જુની સ્થિતિને ધ્યાનમાં રાખી #MySpineMyWorld અભિયાન શરૂ કર્યું છે. સાથે જ myspinemyworld.com વેબસાઇટનું પણ લોકાર્પણ કરોડરજ્જુના દર્દીઓ દ્વારા કરાયું હતું.

‘ઘણા લોકો મહિનાઓ સુધી દુખાવો સહન કર્યા બાદ સારવાર માટે આવે છે’
ઇન્ડોસ્પાઇન હોસ્પિટલના ચીફ સ્પાઇન સર્જન ડૉ. તારક પટેલે જણાવ્યું હતું કે, હાલ યુવા પ્રોફેશનલ્સ, ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓમાં કમર તથા ગરદનના દુખાવાની સમસ્યા જોવા મળી રહી છે. ઘણા લોકો મહિનાઓ સુધી દુખાવો સહન કર્યા બાદ સારવાર માટે આવે છે. હોસ્પિટલના પોતાના રેકોર્ડ મુજબ, ઑક્ટોબર 2022થી ઑક્ટોબર 2026 દરમિયાન આવેલા 8,789 નવા દર્દીઓમાંથી 41 ટકા દર્દીઓ 20થી 45 વર્ષની વયજૂથના હતા. આ વયજૂથના દર્દીઓનું પ્રમાણ વર્ષ 2022-23માં 35 ટકા હતું, જે વર્ષ 2025-26માં વધીને 43 ટકા થયું હતું. જોકે, રાહતની વાત એ છે કે 20થી 45 વર્ષના 94 ટકા દર્દીઓની સારવાર હોસ્પિટલમાં દાખલ કર્યા વિના કરવામાં આવી હતી.

‘કરોડરજ્જુની મોટાભાગની તકલીફોમાં ઓપરેશનની જરૂર નથી’
ડૉ. તારક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કરોડરજ્જુની મોટાભાગની તકલીફોમાં ઓપરેશનની જરૂર પડતી નથી. યોગ્ય સમયે નિદાન થાય તો દુખાવાનું મૂળ કારણ શોધીને સારવાર કરી શકાય છે. ઇન્ડોસ્પાઇન હોસ્પિટલનાં એનેસ્થેસિયા અને પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. રિંકુ પટેલે જણાવ્યું હતું કે, ઘણા લોકો દુખાવો સહન કરતા રહે છે અથવા લાંબા સમય સુધી પેઇનકિલર પર આધાર રાખે છે. પરંતુ દુખાવો શરીર દ્વારા આપવામાં આવતો એક સંકેત છે, જેને અવગણવો ન જોઈએ. ખાસ કરીને શરીરમાં ખાલી ચડવી, નબળાઈ લાગવી અથવા રાત્રે ઊંઘ ન આવવા દે તેવો દુખાવો થાય તો રાહ જોયા વિના નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *