રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ચોક પાસે 14 વર્ષ પહેલાં વેપારીને લૂંટવાના ગુનામાં ફરાર 37 વર્ષીય ઇમરાન સલીમ ઠેબાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. પોપટપરા શેરી નંબર-8માં રહેતા ઇમરાનને કલેક્ટર કચેરી પાસેથી ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એસ.એમ. રાણાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આરોપી અંગે માહિતી મળતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ ચોક પાસે વ્હોરા વેપારીને આંતરી લૂંટ ચલાવવાના આ જૂના ગુનાનો ભેદ પોલીસે ચાલુ વર્ષે ઉકેલ્યો હતો, જેમાં ઇમરાન ફરાર હતો. આરોપી સામે અગાઉ દારૂ અને જુગારના 4 ગુના નોંધાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
રેલનગરમાં ઘરમાંથી માતા-પુત્રનાં મૃતદેહ મળતાં ચકચાર
રાજકોટના રેલનગર વિસ્તારમાં જાડેજા ચોક ખાતે આવેલા મકાનમાંથી માતા અને પુત્રના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. ઘરમાંથી દુર્ગંધ આવતાં પડોશીએ સ્વજનોને જાણ કરી હતી અને પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે રૂમમાંથી 70 વર્ષીય મનહરબા ગોહિલ અને તેમના 45 વર્ષીય પુત્ર સત્યજિતસિંહના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, પુત્રનું મૃત્યુ આશરે 5 દિવસ પહેલાં અને માતાનું મૃત્યુ 3 દિવસ પહેલાં થયું હોવાની આશંકા છે. પુત્રને પગમાં ગેંગરીન હોવાની બીમારી હતી અને માતા પણ અશક્ત હતાં. પુત્રની સંભાળ રાખતાં માતા પણ બીમારી અને અશક્તતાને કારણે મુશ્કેલીમાં હતાં. બંનેનાં મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે અને પોલીસે મૃત્યુનાં કારણો જાણવા તપાસ હાથ ધરી છે.
રામવન પાસે કારખાનાના પહેલા માળેથી પટકાતાં યુવાનનું મોત
રાજકોટમાં રામવન નજીક આવેલા સીતારામ લેઝર કટીંગ કારખાનામાંથી નીચે પટકાતાં ઉત્તરપ્રદેશના 22 વર્ષીય શ્રમિક કાશીરામ દાખલસરનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મળતી વિગતો મુજબ, કાશીરામ મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો અને હાલ કેપી ઇન્ડસ્ટ્રીઝ, શેરી નંબર-3માં રહેતો હતો. તે વહેલી સવારે કારખાનાના પહેલા માળે સૂતો હતો અને જાગ્યા બાદ નીચે ઉતરવા જતાં અચાનક પટકાતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ 108 મારફતે તેને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. મૃતક ત્રણ ભાઈ-બહેનમાં સૌથી મોટો હતો અને રાજકોટમાં મજૂરીકામ કરતો હતો.