રાજકોટના મુંજકા વિસ્તારમાં આવેલી ફ્લિપકાર્ટની શાખામાંથી રૂ. 12.56 લાખની કિંમતનાં 100 પાર્સલ ડિલિવરી માટે લઈ ગયેલો ડિલિવરી બોય 94 પાર્સલ સાથે ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે મિહિર રમેશ વાઘેલા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદી લલિત પરમારના જણાવ્યા મુજબ, રેપિડ ડ્રોપ નેક્સ્ટ ડિસ્ટ્રિબ્યુટર કંપનીમાં HR રિક્રૂટર તરીકે નોકરી કરતા હોવાથી મિહિર વાઘેલાને ગત 7 સપ્ટેમ્બરે મુંજકાની ફ્લિપકાર્ટ શાખામાં નોકરીએ રખાયો હતો. 11 ઓક્ટોબરે મિહિર 100 પાર્સલ ડિલિવરી માટે લઈ ગયો હતો. તેમાંથી 3,545નાં 6 પાર્સલ ડિલિવર કર્યા હતા. જ્યારે રૂ. 12,53,029નાં બાકીનાં 94 પાર્સલની ડિલિવરી થઈ નહોતી. તેનો મોબાઇલ પણ સ્વિચ ઓફ આવતાં કંપની દ્વારા તપાસ કરવામાં આવી હતી અને પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ફેસબુક-OLX પર સસ્તો માલ વેચવાના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો
રાજકોટમાં ફેસબુક અને OLX જેવી એપ્લિકેશન પર ખોટા નામે સસ્તો માલ વેચવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને પેરોલ-ફર્લો સ્ક્વોડે ઝડપી લીધો છે. અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને IT એક્ટના ગુનામાં ફરાર 25 વર્ષીય જયેશ ઉર્ફે જયદીપ વિઠ્ઠલ ઝાલાને 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક પાસે માધવ એપાર્ટમેન્ટ નીચેથી પકડવામાં આવ્યો હતો.
પોલીસને મળેલી બાતમીના આધારે પીઆઈ પી.એન. પઢિયારના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી મૂળ સુત્રાપાડા તાલુકાના વાસાવડનો રહેવાસી છે અને હાલ માધવ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. પોલીસે તેને વધુ કાર્યવાહી માટે ખાંભા પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.