દિવાળીના તહેવારોમાં રાજકોટનું ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટ ધમધમશે

રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલી ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટના રિનોવેશન અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા દ્વારા વેપારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના તહેવારોમાં વેપારીઓનો ધંધો-રોજગાર ન ખોરવાય તે માટે માર્કેટના જે ભાગમાં કામ કરવાનું છે ત્યાં પતરાંની આડશ ઊભી કરી દેવાઈ છે. આગામી બે-ચાર દિવસમાં સફાઈ કામગીરી પૂર્ણ કરીને વેપારીઓને મૂળ જગ્યાએ થડા સુપરત કરી દેવામાં આવશે.

તહેવારો પૂરા થયા બાદ મુખ્ય રિનોવેશન શરૂ થશે
સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યા મુજબ વેપારીઓએ દિવાળીમાં વેપાર કરવા માટે મનપા સમક્ષ રજૂઆત કરી હતી. મુખ્ય રિનોવેશન કામ શરૂ થવામાં હજુ સમય લાગે તેમ હોવાથી તહેવારો દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે સુરક્ષાત્મક પતરાં મારીને માર્કેટ ખુલ્લી કરવાનો નિર્ણય લેવાયો છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ અને આયોજન મુજબ કામ શરૂ કરતી વખતે ફરીથી માર્કેટ ખાલી કરાવવામાં આવશે.

₹6 કરોડથી વધુના ખર્ચે રેટ્રો ફિટિંગ કરાશે
ધર્મેન્દ્ર રોડ પર આવેલી અંદાજે 100 વર્ષ જૂની આ હેરિટેજ માર્કેટનો મૂળ લુક જાળવી રાખવા માટે રેટ્રો ફિટિંગ પદ્ધતિનો ઉપયોગ કરાશે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા GST સહિત ₹6 કરોડથી વધુ રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ અંદાજે 18 મહિનાના સમયગાળામાં સમગ્ર માર્કેટ નવા રંગરૂપ સાથે તૈયાર કરી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *