SIR-જ્ઞાનેશ કુમાર વિરુદ્ધની સુપ્રીમમાં ગયેલા વિપક્ષની મુશ્કેલીઓ વધી

સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિત 11 વિપક્ષી નેતાઓ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં લગભગ 14 ખામીઓ દર્શાવી છે. આ અરજી મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં મોટા પાયે નામો હટાવવા અને ગેરરીતિઓના આરોપો સાથે સંબંધિત છે.

સમાચાર એજન્સી PTI અનુસાર, રજિસ્ટ્રીએ અરજી દાખલ કરનાર વકીલ પાસેથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આઈડી કાર્ડની સ્પષ્ટ નકલ માંગી છે. સાથે જ જણાવ્યું કે રજૂ કરાયેલા દસ્તાવેજોના કેટલાક પાના વાંચી શકાય તેવા નથી. કેટલાક પાના ગુમ છે. કોર્ટ ફી પણ 220 રૂપિયા ઓછી જમા કરવામાં આવી છે.

12 ઑક્ટોબરે દાખલ કરવામાં આવેલી અરજીમાં ભારતના ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને અન્ય ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશીને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

રાહુલ ગાંધી અને અન્ય ઘણા વિપક્ષી નેતાઓ સોમવારે અરજી દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરીને પહોંચ્યા હતા. અરજીમાં નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિ બનાવવાની માંગ કરવામાં આવી છે. તેમાં તકનીકી નિષ્ણાતો અને પ્રતિષ્ઠિત નાગરિકોને પણ સામેલ કરવાની માંગ છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ સમિતિ નિર્ધારિત સમયમર્યાદામાં SIR દરમિયાન મતદાર યાદીમાંથી દૂર કરાયેલા નામો અને કરવામાં આવેલા ફેરફારોનું સ્વતંત્ર ઓડિટ કરે.

આજે રાહુલના ઘરે વિપક્ષી સાંસદોની ચા પર ચર્ચા

આગળની રણનીતિ નક્કી કરવા માટે રાહુલે મંગળવારે સાંજે તમામ વિપક્ષી સાંસદોને પોતાના સુનહરી બાગ રોડ સ્થિત ઘરે ચા માટે બોલાવ્યા છે. આ દરમિયાન મતચોરી વિરુદ્ધ સંયુક્ત વિરોધ-પ્રદર્શનની રણનીતિ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

સૂત્રોએ જણાવ્યું કે ‘હાઈ ટી’ બાદ વિરોધ-પ્રદર્શન અથવા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ થઈ શકે છે, પરંતુ આ યોજનાની માહિતી હજુ ગુપ્ત રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *