ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થતાં ભાદરવાનો તડકો આકરો બન્યો છે. હાલ રાજ્યમાં ગરમીનો પારો 39°Cને પાર જતાં બપોરના સમયે ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે. ગઈકાલે 39.6°C સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. આ ઉપરાંત નવ શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રી પાર રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી કરાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેવાની શક્યતા છે. પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિકલાકની રહેશે. હાલ રાજ્યમાં પવન ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફથી ફેંકાઈ રહ્યો છે.
અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 38°C, જ્યારે ન્યૂનતમ તાપમાન 24°C આસપાસ રહેવાની શક્યતા છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.6°C નોંધાયું હતું, જ્યારે ડીસા અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 38.8°Cથી 38.6°C વચ્ચે રહ્યું હતું.