રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં એકલા રહેતા એક વયોવૃદ્ધ દંપતીને આરોગ્ય શાખાના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી બે અજાણ્યા શખસોએ લૂંટનો શિકાર બનાવ્યા હતા. આરોપીઓએ દવા છાંટવાના બહાને ઘરમાં પ્રવેશ કરી વૃદ્ધ દંપતી પર નશાકારક સ્પ્રે છાંટી તેમને બેભાન કરી દીધા હતા અને સોનાના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડી ₹ 1.40 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મચ્છર છાંટવાની દવાની આડમાં ઘરમાં ઘૂસ્યા
ઉપલેટાના લાઠ ગામે 82 વર્ષીય વશરામભાઈ બાવનજીભાઈ કણસાગરા અને તેમના 78 વર્ષીય પત્ની લાભુબેન એકલા રહે છે. 6 ઓક્ટોબર 2026ના રોજ સવારના 10 વાગ્યા આસપાસ એક અજાણ્યો શખસ તેમના ઘરે આવ્યો હતો અને પીવાનું પાણી માગ્યું હતું. લાભુબેન પાણી ભરવા માટે અંદર ગયા તે જ સમયે આ શખસ ડેલી અંદર આવી ગયો હતો તેણે પોતે આરોગ્ય શાખામાંથી મચ્છરની દવા છાંટવા આવ્યો હોવાનું જણાવી ફળિયામાં આવેલી ચોકડી અને છોડના કુંડા આજુબાજુ સ્પ્રે છાંટવાનું નાટક શરૂ કર્યું હતું. દરમિયાન બીજો એક શખ્સ પણ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તે પણ દવા છાંટવા લાગ્યો હતો.
દંપતીના મોઢા પર સ્પ્રે મારી દાગીના લૂંટી લીધા
આ પછી બંને શખસોએ અચાનક વૃદ્ધ દંપતીના મોઢા પર સ્પ્રે છાંટી દેતા તેઓ અસહાય બની બેભાન જેવા થઈ ગયા હતા. જેથી તેઓ કોઈ પ્રતિકાર કે બૂમાબૂમ કરી શક્યા ન હતા. દંપતી બેભાન થઈ જતાં જ લૂંટારૂઓએ વૃધ્ધાએ ગળામાં પહેરેલી સોનાની તુલસીની માળા ગાયબ હતી. માળાના પારા ફળિયામાં પડેલી એક ડિશમાંથી મળી આવ્યા હતા, પરંતુ તે પારા પર મઢેલા ₹ 90,000ની કિંમતના સોનાના કવર ગાયબ હતા. બનાવ અંગે લાભુબેને તુરંત પોતાના પુત્ર ગિરીશભાઈને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા અને સમગ્ર આપવીતી જણાવી હતી.
જૂનાગઢના બે શખસ 1.40 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
બનાવ અંગે કન્સ્ટ્રક્શન ધંધા સાથે સંકળાયેલા અને ઉપલેટા રહેતા પુત્ર ગિરીશભાઈ કણસાગરાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ તપાસ શરૂ કરી હતી દરમિયાન ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસ મદદથી જૂનાગઢના બે શખસ અંકલેશ પોદરા અને સાજનકુમાર જયશ્વાલની ધરપકડ કરી તેની પાસેથી બે મોબાઈલ, એક બાઈક, સોના-ચાંદી ધાતુ સાફ કરવા માટેનું લીકવીડ, સોનાનો ઢાળીયો સહિત 1.40 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી અંકલેશ વિરુધ્ધ અગાઉ 2023માં ભેંસાણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે.