સેટેલાઇટ ઇન્ટરનેટ સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીને લઈને કંપનીના માલિક ઈલોન મસ્કે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી પર કટાક્ષ કર્યો છે. મસ્કે સોશિયલ મીડિયા પર ‘ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી’ લખતાં કહ્યું કે તેમને આ અંદાજ નહોતો કે ભારતમાં તેમનો આટલો પ્રભાવ છે.
મસ્કે કહ્યું કે ભારતીય બજારમાં સ્ટારલિંક જેવી વિદેશી કંપનીઓને પણ પ્રવેશવાની મંજૂરી મળવી જોઈએ. તેમનું માનવું છે કે સ્પેક્ટ્રમની ફાળવણી એવી રીતે થવી જોઈએ કે માત્ર એક જ કંપનીનું વર્ચસ્વ ન રહે અને અન્ય કંપનીઓને પણ વ્યવસાયમાં સમાન તક મળે.
મસ્કની આ પોસ્ટમાં ગુસ્સો, વ્યંગ્ય અને નિરાશા ઝલકાઈ રહી છે. તેઓ સીધો આરોપ લગાવી રહ્યા છે કે ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રી રોકવા પાછળ મુકેશ અંબાણીનો એકાધિકાર છે. મસ્કનો તર્ક છે કે આ કોર્પોરેટ ખેંચતાણનું સીધું નુકસાન દેશની સામાન્ય જનતાએ ભોગવવું પડી રહ્યું છે.
મસ્ક બોલ્યા- શું અંબાણી દેશના સાચા બોસ છે?
આ પહેલાં ગુરુવારે મસ્કે કહ્યું હતું કે સ્ટારલિંકને દુનિયાના 165થી વધુ દેશોમાં સેવા આપવાની મંજૂરી મળી ચૂકી છે. કંપની છેલ્લા પાંચ વર્ષથી ભારત સરકારના દરેક કાયદા અને જરૂરી શરતોનું પાલન કરી રહી છે. તેમ છતાં તેને ભારતમાં લાઇસન્સ કેમ મળ્યું નથી? શું અંબાણી દેશના સાચા બોસ છે?
રાહુલ બોલ્યા- વેલકમ ઈલોન, રાહ જુઓ
અંબાણી દેશના સાચા બોસ છે એવી પોસ્ટનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ X પર લખ્યું- ભારતમાં તમારું સ્વાગત છે, ઈલોન. બીજા વ્યક્તિને મળો ત્યાં સુધી રાહ જુઓ. રાહુલ ગાંધીના જવાબ પર ઈલોને પ્રતિક્રિયા આપતાં કહ્યું- આભાર, રાહુલ. આ ખરેખર પરેશાન કરનારું છે.