રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 7 મહિના પહેલાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશન બાદ રજૂ કરાયેલા રૂ. 27 લાખથી વધુના ખર્ચના વિવાદમાં હવે મોટો વળાંક આવ્યો છે. આ સમગ્ર મામલે ગેરરીતિ અને અનિયમિતતાની તપાસ કરી રહેલી ખાસ તપાસ સમિતિ (એસઆઈટી)નો રિપોર્ટ આગામી થોડા દિવસોમાં જ જાહેર થવાની શક્યતા છે. એટલે કે ત્રણેક મહિનાથી ચાલતી તપાસનો અંત આવશે. આ રિપોર્ટમાં બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવાની ખાતરી પણ મનપા કમિશનર તુષાર સુમેરા દ્વારા આપવામાં આવી છે.
રિપોર્ટમાં કોઈ ગેરરીતિ સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે
દિવ્યભાસ્કર સાથેની ખાસ ટેલિફોનિક વાતચીતમાં મનપા કમિશનર તુષાર સુમેરાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ અંગે સવાલો ઉઠ્યા હતા, જેને લઈને મેયર દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરવા જણાવાયું હતું. જે અંતર્ગત એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ થોડા દિવસોમાં આવે તેવી પુરી શક્યતા છે. આ રિપોર્ટમાં કોઈપણ ગેરરીતિ કે કોઈની પણ બેદરકારી હોવાનું સામે આવશે તો નિયમ મુજબની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.