રાજકોટમાં નવરાત્રી દરમિયાન ટ્રાફિકજામ નિવારવા કોંગ્રેસની રજૂઆત

રાજકોટના કાલાવડ રોડ અને રિંગ રોડ-2 પર આવેલા કટારિયા ચોકડી ખાતે ઓવરબ્રિજનું કામ પ્રગતિમાં હોવાથી વાહનચાલકો માટે ડાયવર્ઝન અમલમાં છે. આગામી નવરાત્રી દરમિયાન આ વિસ્તારમાં અનેક મોટા ગરબા મહોત્સવ યોજાવાના હોવાથી રાત્રિના સમયે ભારે ટ્રાફિકજામ સર્જાવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના આગેવાનોએ ટ્રાફિક વિભાગના DCPને રૂબરૂ મળીને આગોતરા આયોજન, પાર્કિંગ અને વધારાના બંદોબસ્ત અંગે રજૂઆત કરી છે.

ગરબા આયોજનોથી ટ્રાફિકનું વધશે ભારણ
કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, રાજકોટના કાલાવડ રોડ અને રિંગ રોડ-2 પર નવરાત્રીના અનેક મોટા આયોજનો થવાના હોવાથી એકસાથે મોટી સંખ્યામાં લોકો વાહનો સાથે પહોંચશે. અંદાજે 10,000 વાહનોનો પ્રવાહ કટારિયા ચોકડી આસપાસ રહેવાની શક્યતા છે. રાત્રિના પીક અવર્સ દરમિયાન ડાયવર્ઝન રૂટ પર વાહનોની લાંબી કતારો ન લાગે તે માટે અત્યારથી જ સમગ્ર રૂટનું પરીક્ષણ કરી ટ્રાફિક ઓડિટ કરવાની માગ કરાઈ છે.

પોલીસ વિભાગ દ્વારા આયોજન સ્થળે વાહનોની ક્ષમતા, પાર્કિંગ, એન્ટ્રી-એક્ઝિટ અને કાર્યક્રમ પૂર્ણ થયા પછીની દિશા અંગેની વ્યવસ્થા નક્કી કરવી જરૂરી છે. ડાયવર્ઝન રૂટ પર આવેલી હોટલો કે કેફે બહાર રોડ પર પાર્કિંગ ન થાય તે માટે વેપારીઓને સૂચનાઓ આપવી જોઈએ. આ ઉપરાંત ટ્રાફિક પોલીસે આયોજકો સાથે બેઠક યોજીને નાગરિકોને આવવા-જવાના નિશ્ચિત રૂટ અંગે અગાઉથી માહિતગાર કરવા જોઈએ.

સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત
કટારિયા ચોકડી, મુંજકા ચોકડી, પરસાણા ચોક, કોટેચા ચોક, કે.કે.વી. હોલ અને સ્પીડવેલ ચોક જેવા વિસ્તારોમાં રાત્રિના સમયે વધારાના ટ્રાફિક પોલીસ જવાનો તથા ટ્રાફિક બ્રિગેડિયરોની ડ્યુટી ગોઠવવાની માગ કરાઈ છે. જરૂર જણાય ત્યાં બેરીકેટિંગ, દિશા દર્શાવતા સાઇનેજ, સ્ટોપ પોઈન્ટ અને વન-વે વ્યવસ્થા અમલમાં મૂકવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *