રાજસ્થાનના જયપુરમાં વેબ સિરીઝ ‘ધ રોયલ્સ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. વેબ સિરીઝના પ્રથમ તબક્કામાં શૂટિંગ માટે આવેલા પીઢ એક્ટ્રેસ ઝીનત અમાને શહેરમાં વિતાવેલા એક દિવસની અલગ-અલગ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. તેમણે પરકોટા વિસ્તારની ગલીઓમાં ફરવાથી લઈને જોહરી બજારમાં ચાંદીના આભૂષણો સહિત સાડીઓની ખરીદી કરી અને રામબાગ પેલેસમાં હાઈ ટીનો આનંદ માણ્યો.
ઝીનત અમાને ઇન્સ્ટાગ્રામ પરની પોતાની પોસ્ટમાં લખ્યું- ‘રજાનો દિવસ મળ્યો તો મેં એ જ કર્યું, જેના માટે જયપુર ખાસ રીતે જાણીતું છે. મેં જૂના શહેરની અત્યંત વ્યસ્ત ગલીઓમાં ચાંદીના આભૂષણો અને સાડીઓની ખરીદી કરી.’
ઝીનત અમાને જોહરી બજારને પોતાના પ્રકારનો એક અલગ અનુભવ ગણાવતા લખ્યું- અહીંની ગલીઓ સાંકડી અને ભીડભાડવાળી છે. દુકાનોની બહાર સજાવેલો સામાન, અલગ-અલગ પ્રકારની સુગંધ, રંગબેરંગી વસ્તુઓ અને દુકાનદારોની અવરજવર બજારને જીવંત બનાવી રાખે છે. ઝીનતે જણાવ્યું- બજારમાં દુકાનદારો એક પછી એક વસ્તુઓ બતાવતા રહે છે અને ગ્રાહક માટે યોગ્ય વસ્તુ શોધવાનો સિલસિલો ચાલુ રહે છે.
રામબાગ પેલેસમાં જ્યોતિષીને હાથ બતાવ્યો
જૂના શહેરમાં શોપિંગ કર્યા બાદ ઝીનત અમાન રામબાગ પેલેસ પહોંચ્યાં. તેમણે જોહરી બજારની ભીડ અને રામબાગ પેલેસની શાહી શાંતિ વચ્ચેનો તફાવત અનુભવ્યો.
ઝીનતે રામબાગ પેલેસના વાતાવરણનો ઉલ્લેખ કરતાં ત્યાંની સ્થાપત્યકળા, ફુવારા, બગીચા અને મોરનું વર્ણન કર્યું. અહીં તેમણે હાઈ ટીનો આનંદ માણ્યો. આ દરમિયાન તેમણે એક હસ્તરેખા નિષ્ણાત (જ્યોતિષી)ને હાથ બતાવ્યો. ઝીનતે રમૂજી અંદાજમાં લખ્યું કે ‘હસ્તરેખા નિષ્ણાતે મારા જીવનની પરિસ્થિતિઓ વિશે પોતાની વાતોથી મને ખુશ કરી દીધી.’