રાજકોટમાં સોલાર પેનલના બિઝનેસમાં મોટો નફો મેળવવાની લાલચ આપી ભાણેજે જ મામા સાથે રૂ.18.62 લાખની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. સોલારના ધંધાના નામે મેળવેલા નાણાં શેરબજારમાં વેડફી નાખ્યા બાદ રકમ પરત માગતાં ભાણેજે મામાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે આજીડેમ પોલીસે આરોપી ભાણેજ સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નફાકારક ધંધાની લાલચ આપાઈ
રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા અને ગેરેજ ચલાવતા સાગર રાદડીયાને સરધાર રહેતા તેમના સગા ભાણેજ વશરામ શૈલેષભાઇ પાધરાએ સોલાર પેનલના બિઝનેસમાં મોટા નફાની લાલચ આપી હતી. ભાણેજ પર વિશ્વાસ રાખી મામા અને પરિવારજનોએ અંકુરભાઈ નામના વ્યક્તિ સાથે સોલારના ધંધામાં ભાગીદારી માટે રોકાણ શરૂ કર્યું હતું.
રૂ.18.62 લાખની વિશ્વાસઘાત-છેતરપિંડી
ફરિયાદીએ સમયાંતરે બેંક ટ્રાન્સફર અને રોકડ મારફતે કુલ રૂ.26,09,990નું રોકાણ કર્યું હતું, જેમાંથી ભાણેજે કટકે-કટકે રૂ.7,47,690 પરત આપ્યા હતા. જોકે, બાકી નીકળતા રૂ.18.62 લાખ લાંબો સમય વિતવા છતાં પરત ન આપતાં મામાએ કડક ઉઘરાણી શરૂ કરી હતી.
શેરબજારમાં નાણાં વેડફવાનો ખુલાસો
વશરામે ભાગીદાર અંકુરભાઈ પૈસા આપતા ન હોવાનું બહાનું બતાવતાં મામાએ અંકુરભાઈનો સંપર્ક કર્યો હતો. ત્યારે ખુલાસો થયો કે વશરામ સોલારના ધંધાને બદલે બારોબાર શેરબજારમાં પૈસા વાપરતો હતો અને આ કારણે તેને નવેમ્બર 2024માં જ નોકરીમાંથી છૂટો કરી દેવાયો હતો.
જાનથી મારી નાખવાની ધમકી
પોલ ખુલતાં આરોપીએ મકાન વેચીને નાણાં ચૂકવવાનું બીજું નાટક રચી વધુ પૈસા માગ્યા હતા. મામાએ પૈસા આપવાની ના પાડતાં આરોપીએ ગેરેજે પહોંચી “હવે તું તારા પૈસા ભૂલી જા, મારી પાસે પૈસા માગ્યા તો તને જીવતો નહીં રહેવા દઉં” તેવી ધમકી આપી હતી.