રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. રાજકોટની સોની બજારમાં પેઢી ધરાવતા વેપારી છેલ્લા 5 વર્ષથી સોની બજારમાં જ આવેલ એક પેઢીમાં અલગ અલગ દાગીના બનાવવા ફાઈન સોનુ વેપારીને આપતા હતા જેથી વિશ્વાસ કેળવી બાદમાં 1.05 કરોડની કિંમતનું સોનુ એક સાથે મેળવી પરત ન કરી છેતરપિંડી આચરતા આખરે બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોનાના દાગીના બનાવવા માટે ફાઇન સોનું આપતા
ફરિયાદી ભાવીકભાઇ જયેશભાઇ શાહએ જણાવ્યું હતું કે, સોની બજાર મેઇન રોડ ઉપર બોઘાણી શેરી પાસે R.P. ઓર્નામેન્ટ્સ નામની પેઢી છે જે મારા પિતા જયેશભાઇ રાયચંદભાઈ શાહના નામની છે અને તેમા હુ પાવર ઓફ એટર્ની હોલ્ડર છુ અને ત્યા બેસી સોનાનો વેપાર ઘંઘો કરી મારા પરિવારનુ ગુજરાન ચલાવુ છુ. સોની બજારમાં જ આવેલી M/s AUREATE નામની વેપારી પેઢી સાથે છેલ્લા 5 વર્ષથી સોની કામનો ધંધો કરીએ છીએ. આ પેઢીનો વહીવટ શ્યામ સુરેશભાઈ પટણી કરે છે તેમને સોનાના દાગીના બનાવવા માટે ફાઇન સોનુ આપતા હતા.
શ્યામ સુરેશભાઈ પટણી અમારી પાસેથી સોનાના દાગીના બનાવાવા માટે સોનુ લઈ જતા અને અમારા ઓર્ડર મુજબ સોનાના દાગીના બનાવી પરત અમને આપતા હતા. અમે આ કામના બદલામા ઓર્ડર અને સોનાના દાગીનાની અલગ અલગ ડીઝાઇન મુજબ અલગ અલગ જોબ વર્કની મજૂરી આપતા હતા. અમારા ઓર્ડર મુજબ નિયત સમયમા અમને શ્યામ પટણી સોનાના દાગીના બનાવી આપતા હતા જેથી તેના ઉપર વિશ્વાસ આવી ગયો હતો અને અમારે સારી રીતે ઘંઘાકીય વ્યવહાર ચાલતો હતો.
દાગીના બનાવવા માટે સોનુ મેળવી બાદમાં પરત ન કર્યું
તાજેતરમાં વેપારીએ ગત 2 સપ્ટેમ્બર, 2026ના રોજ અમારી પેઢીમાથી શ્યામ ૫ટણીને ફાઈન સોનુ અલગ અલગ મિક્ષ ડીઝાઇનના દાગીના બનાવવા માટે આપ્યું હતુ. પરંતુ શ્યામ પટણીએ 1.05 કરોડ કિંમતનું સોનુ મેળવી ઓર્ડર મુજબના દાગીના બનાવી પરત ન આપતા અવારનવાર સોનુ આપવાના બહાના બનાવતો હોવાથી આખરે વેપારીએ છેતરપિંડી થયાની જાણ થતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.