કોટડાસાંગાણી પંથકના ભાડવા ફીડરમાં કાયમી વીજધાંધિયાથી ખેડૂતો ત્રસ્ત

કોટડાસાંગાણી તાલુકાના ભાડવા ફીડરમાં અવારનવાર થતા વીજળીના ધાંધિયા અને ગંભીર ફોલ્ટના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે ખેડૂતોએ પીજીવીસીએલ (PGVCL) કચેરીએ રૂબરૂ જઈને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. વહેલી તકે સુધારો કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, કોટડાસાંગાણી તાલુકાના ભાડવા ગામે આવેલ એગ્રી ફીડરમાં અવારનવાર ફોલ્ટ રહેવાની સમસ્યા ખૂબ જ જૂની છે. આ ફીડરમાં આશરે ૧૦ વર્ષ પહેલાં કરવામાં આવેલી કામગીરી નબળી ગુણવત્તાવાળી હોવાને કારણે આજે પણ ફીડરમાં વારંવાર ફોલ્ટ સર્જાય છે. હાલ શિયાળાની અને રવિ સીઝનની શરૂઆતમાં ખેડૂતોને પોતાના પાકને બચાવવા પિયત માટે વીજળીની અનિવાર્ય અને સખત જરૂર હોય છે.

પરંતુ અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે ખેડૂતોને સિંચાઈ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો દ્વારા આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો વહેલી તકે આ વીજ ફોલ્ટ અને લોડની સમસ્યા દૂર કરવામાં નહીં આવે, તો નાછૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર રજૂઆત કરવાની ફરજ પડશે.

આ વેળાએ ભાડવા ગામના અગ્રણીઓ ભૂપેન્દ્રસિંહ જાડેજા (ભાડવા દાદા), પ્રતીપાલસિંહ જાડેજા, રવજીભાઈ ગજેરા, ધીરુભાઈ રૂપાલીયા, હરેશભાઈ સગપરીયા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આવેદન આપતી વખતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *