સદર બજારનાં ‘મહેફિલે જાયકા’ રેસ્ટોરન્ટમાં આગ લાગતા ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, 5 ગેસ સિલિન્ડર જપ્ત કરાયા

રાજકોટના સદર બજાર પાસે આવેલા ફૂલછાબ ચોક નજીક હીરા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત ‘મહેફિલે જાયકા’ નામની નોનવેજ રેસ્ટોરન્ટમાં રાત્રિના સમયે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ, રેસ્ટોરન્ટના ઈલેક્ટ્રિક મીટર બોક્સ અને એ.સી.માં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું માલિકે જણાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ નાગરિક બેંક ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડનો કાફલો મિની ફાઈટર સાથે સ્થળ પર પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર પૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

ફાયર ટીમે સમયસૂચકતા વાપરી રેસ્ટોરન્ટ અંદરથી 5 એલ.પી.જી. ગેસ સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર કાઢી જપ્ત કર્યા હતા, જેનાથી એક મોટી હોનારત અટકી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

રેસ્ટોરન્ટમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળ્યા
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં સદર બજાર પાસે આવેલ ફૂલછાબ ચોક નજીક આજે રાત્રિના સમયે એક નોનવેજ રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હીરા કોમ્પ્લેક્સ નામના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ‘મહેફિલે જાયકા’ નામની જાણીતી નોનવેજ રેસ્ટોરન્ટમાં દુર્ઘટના બની હતી. રેસ્ટોરન્ટમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને તાત્કાલિક ધોરણે રાજકોટ મહાપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *