રવિવારે પાકિસ્તાનના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિની માંગને લઈને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સમર્થકોએ ખૈબર પખ્તૂનખ્વાના લક્કી મારવતથી ઇસ્લામાબાદ તરફ લોંગ માર્ચ શરૂ કર્યો. હજારો લોકો લગભગ 275 કિમી દૂર આવેલા ઇસ્લામાબાદ માટે નીકળી પડ્યા.
લક્કી મારવતથી લગભગ 3 કિમી આગળ ફ્રન્ટિયર ફોર્સ અને ઇમરાનના સમર્થકો સામસામે આવી ગયા. બંને તરફથી પથ્થરમારો થયો અને પોલીસે લાઠીચાર્જ શરૂ કરી દીધો. અફરાતફરી વચ્ચે ઇમરાનના સમર્થકોએ પણ જોરદાર સામનો કર્યો. લગભગ એક કલાક બાદ માર્ચ ફરી શરૂ થઈ ગઈ હતી.
લોંગ માર્ચની શરૂઆતમાં જ હિંસક અથડામણોના જોખમ વચ્ચે પીએમ શાહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીરે મોડી સાંજે બેઠક કરી હતી. જોકે બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે હજુ કંઈ જાણવા મળ્યું નથી. આ પહેલાં શહબાઝ સરકારે શનિવારે રાત્રે પંજાબ પ્રાંતમાં કડક કાર્યવાહી હાથ ધરી હતી.
ઇમરાનની પાર્ટી PTIના કાર્યકરોની મોટા પાયે ધરપકડ કરવામાં આવી છે. PTIનો દાવો છે કે તેના લગભગ બે હજાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, ઇસ્લામાબાદમાં સંસદ અને હાઇવેની સુરક્ષા વધારતાં અનેક માર્ગોને કન્ટેનર મૂકીને બંધ કરી દેવામાં આવ્યા છે.