રાજકોટ શહેરમાં ન્યુસન્સ પોઇન્ટ દુર કરવાના સતત પ્રયાસો છતાં અનેક વિસ્તારોમાં નાગરિકોની બેદરકારી સામે આવી રહી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કમિશનર તુષાર સુમેરાએ કડક પગલાં લેવાની તૈયારી દર્શાવી છે. જેમાં હવે શહેરના ન્યુસન્સ પોઇન્ટ, રહેણાક સોસાયટીઓ અને જાહેર રસ્તાઓ પર સ્થાનિક લોકોની સંમતિથી સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. કેમેરાની મદદથી જ જાહેરમાં કચરો કે એઠવાડ ફેંકતા બેદરકાર લોકોને પકડી દંડ વસુલવાની સાથે તેને અસ્વચ્છતાનાં દૂત જાહેર કરી તેમના નામ-ફોટા અને વાહન નંબર પણ LED સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. તો પાન-માવાની તેમજ વેફર્સ સહિત નાસ્તાની કોથળી રસ્તા પર ફેંકનારને ઝડપીને પ્રથમ સમજાવટ અને બાદમાં દંડ સહિતની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમજ સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ સાથે મળી વ્યસનમુક્તિ માટે લોકોને સમજાવવામાં આવશે.
મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શહેરમાંથી ન્યુસન્સ પોઇન્ટ દુર કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ સ્થળોએ સીસીટીવી કેમેરા મુકાશે. આ માટે હાલમાં 10 જગ્યા પ્રાયોગિક ધોરણે પસંદ કરવામાં આવી છે. જે કોઇપણ નાગરિક જાહેરમાં કચરો નાખતાં દેખાશે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ તેનો ફોટો આવા ન્યુસન્સ પોઇન્ટ પર જ ચિપકાવીને તેઓને ‘અસ્વચ્છતાના દૂત’ ઘોષિત કરવામાં આવશે. જો કોઇ નાગરિક પોતાના ઘર પાસે થતો કચરો દુર કરવાઆવા સીસી ટીવી કેમેરા મુકવાની માગણી કરશે તો મહાનગરપાલિકા પોતાના ખર્ચે જ કેમેરા ગોઠવી આપશે. આ સિવાય પણ જે સ્થળોએ કે રોડ રસ્તા પર સીસી ટીવી કેમેરા છે તેનો ઉપયોગ પણ કરવામાં આવશે.