શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ, દેરડી (કુંભાજી) ગામ નજીક આવેલો છે. આ આશ્રમ આધ્યાત્મિક સાધના સાથે જીવદયા, પર્યાવરણ સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ અને સમાજસેવાની અનોખી પરંપરા જાળવી રહ્યો છે. તે સેવાભાવનું એક મોટું કેન્દ્ર બન્યો છે.
સદગુરુ શ્રી અમર સાહેબે બાંદ્રા ખાતે શ્રી ઉગમેશ્વર સાહેબ પાસેથી ઉપદેશ લીધો હતો. તેમણે ૧૮ વર્ષ સુધી ભજન-સાધના કરી. ત્યારબાદ દેવગામની પવિત્ર ભૂમિ પર ચેતન સમાધિ લીધી હતી. તેમની આ તપોભૂમિ આજે શ્રદ્ધા અને આધ્યાત્મિક પ્રેરણાનું કેન્દ્ર છે.
હાલમાં ગાદીપતિ શ્રી ચંદ્રેશબાપુ અને આલિંગ ભાઈ આશ્રમની જવાબદારી સંભાળી રહ્યા છે. આશ્રમ દ્વારા ‘અમર જ્ઞાન ધારા’ ગ્રંથના ભાગ ૧થી ૫ તૈયાર કરાયા છે. તેના અંદાજે ૮,૦૦૦ પુસ્તકો વિનામૂલ્યે વહેંચવામાં આવ્યા છે. પર્યાવરણ સુરક્ષા માટે આશ્રમે અંદાજે ૧૦,૦૦૦ વૃક્ષો વાવીને તેમનું જતન પણ કર્યું છે. વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં, પરંતુ તેને ઉછેરીને મોટાં કરવાની સેવા દ્વારા પ્રકૃતિ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવી રહ્યો છે.
જીવદયાના કામોમાં નિરાધાર ગાયોને લીલો-સૂકો ઘાસચારો અપાય છે. ઈજાગ્રસ્ત પશુઓનું રેસ્ક્યૂ અને સારવાર પણ કરાય છે. ખેતરોમાં રહેતા અબોલા શ્વાનોને દરરોજ રોટલા અને કબૂતરો સહિત પક્ષીઓને નિયમિત ચણ આપવામાં આવે છે.