‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિકે 15 કિલો વજન ઘટાડ્યું

કાર્તિક આર્યનને મંગળવારે ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ માટે 72મા નેશનલ ફિલ્મ અવોર્ડમાં બેસ્ટ એક્ટરનો પુરસ્કાર મળ્યો. તેણે આ અવોર્ડ સાઉથ સ્ટાર મમૂટી સાથે શેર કર્યો, જેમને ‘બ્રહ્મયુગમ’ માટે આ પુરસ્કાર મળ્યો.

ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યને પોતાના જીવનનું સૌથી મોટું ટ્રાન્સફોર્મેશન કર્યું હતું.

‘ચંદુ ચેમ્પિયન’ દેશના પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરની જિંદગી પર આધારિત હતી. ફિલ્મમાં મુરલીકાંતનું પાત્ર ભજવવા માટે કાર્તિકે પોતાના શરીરની સાથે-સાથે બોક્સિંગ સ્કિલ્સ પર પણ કામ કરવું પડ્યું. આ માટે તેણે લગભગ 14 મહિના સુધી સતત ટ્રેનિંગ લીધી.

નેશનલ લેવલના બોક્સર અને ફિટનેસ કોચ ત્રિદેવ પાંડેએ કાર્તિકના બોડી ટ્રાન્સફોર્મેશનમાં તેની મદદ કરી હતી. ત્રિદેવે 2024માં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કાર્તિકની ટ્રેનિંગ સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી હતી.

ત્રિદેવના જણાવ્યા મુજબ, જ્યારે ફિલ્મ માટે ટ્રેનિંગ શરૂ કરવામાં આવી ત્યારે કાર્તિકનું વજન 90 કિલો હતું. લક્ષ્ય હતું કે તેનું વજન ઘટાડીને 69થી 75 કિલોની વચ્ચે લાવવામાં આવે. આ સાથે જ તેને બોક્સરની શૈલી અને હાવભાવ માટે તૈયાર કરવાનો હતો.

ત્રિદેવે જણાવ્યું હતું કે, માત્ર કાર્તિકનું શરીર બનાવવાનું લક્ષ્ય નહોતું. ફિલ્મમાં બોક્સિંગનાં યોગ્ય દૃશ્યો હતા, તેથી તેને બોક્સરની જેમ તૈયાર કરવું જરૂરી હતું. આ માટે ટ્રેનિંગમાં હેન્ડ-આઈ કોઓર્ડિનેશન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *