જસદણ પંથકના દર્દીઓને રાજકોટનો ધક્કો નહીં ખાવો પડે

જસદણ તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જસદણની સરકારી હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અગાઉ સામાન્ય બીમારી કે સર્જરી માટે સ્થાનિકોને રાજકોટ સુધી લાંબા થવું પડતું હતું.

તેમાંયે અકસ્માતના કિસ્સામાં ક્યારેક સ્થિતિ ગંભીર હોય તો પણ દર્દીને રાજકોટ લાવવા પડતા હતા. હવે એ સ્થિતિ નિવારી શકાઇ છે.

ઓક્ટોબર-2019માં સામુહિક આરોગ્ય કેન્દ્રને અદ્યતન મશીનરી અને નિષ્ણાત તબીબોની ટીમ સાથે સંપૂર્ણ સરકારી હોસ્પિટલનો દરજ્જો મળતાં લોકોને હવે ઘરઆંગણે જ વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર મળી રહી છે.

હોસ્પિટલમાં હાલ ફિઝિશિયન, જનરલ સર્જન, ગાયનેકોલોજિસ્ટ, બાળરોગ નિષ્ણાત, ઓર્થોપેડિક, એનેસ્થેટિસ્ટ, ડેન્ટિસ્ટ, મનોચિકિત્સક તેમજ આંખ અને ચામડીના નિષ્ણાત તબીબો પૂર્ણ સમય સેવા આપી રહ્યા છે.

આ ઉપરાંત અદ્યતન લેબોરેટરી, ડિજિટલ એક્સ-રે, ફિઝિયોથેરાપી, ટીબી વિભાગ, ડાયાબિટીસ-બીપી માટે એનસીડી ક્લિનિક અને એઇડ્સ માટે એઆરટી સેન્ટર ધમધમી રહ્યા છે.

વિશેષરૂપે અહીં HIV પોઝિટિવ દર્દીઓ માટે ડાયાલિસીસ મશીન તેમજ બ્લડ સ્ટોરેજ યુનિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કુપોષિત બાળકો અને તેમની માતાઓની સંભાળ માટે પૌષ્ટિક આહાર સાથેનો સ્પેશિયલ વોર્ડ પણ શરૂ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *