રાજકોટના મેટોડા ગામે રહેતા ખેત મજૂર દંપતી સાથે રૂ.67 હજારનું સાયબર ફ્રોડ થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. મજુર પોતે મોબાઈલમાં રીલ્સ જોઈ રહ્યો હતો આ દરમિયાન અજાણી લિંક પર ક્લિક થઇ જતા ફોન હેક થઇ ગયો હતો અને બાદમાં સાયબર ગઠિયાઓએ અલગ અલગ 5 ટ્રાન્ઝેક્શન કરી રૂ.66,998 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. હાલ સમગ્ર મામલે પડધરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિલ્સ જોતો હતો અને એક શંકાસ્પદ લિંક પર ક્લિક થયું
મેટોડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા 24 વર્ષીય નેહાબેન કરણભાઈ મકવાણાના પતિ કરણભાઈ પોતાના મોબાઈલમાં રિલ્સ જોઈ રહ્યા હતા દરમિયાન અજાણતા જ એક શંકાસ્પદ લિંક પર ક્લિક થઈ ગયું હતું. આ ભૂલનો લાભ ઉઠાવી સાયબર હેકર્સે સ્માર્ટફોન હેક કરી લીધો હતો અને નેહાબેનના બેંક ઓફ બરોડાના ખાતામાંથી અલગ અલગ પાંચ ટ્રાન્જેક્શન આચરી કુલ રૂ.66,998 ઉપાડી લીધા હતા.
તપાસ કરતાં આખું એકાઉન્ટ ખાલી થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું
દંપતીને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે મોબાઈલમાં ખાતામાંથી નાણાં કપાયા હોવાના મેસેજ આવ્યા જે જોઈ તપાસ કરતાં આખું એકાઉન્ટ ખાલી થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું હતું જેથી દંપતીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ મામલે પડધરી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર ઠગો સામે આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હિડન એપ ડાઉનલોડ થતા હેકિંગ થયું
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મોબાઈલમાં ફ્રોડ કે હિડન એપ ડાઉનલોડ થઈ જવાને કારણે આ હેકિંગ થયું હતું. ઉપરાંત, જે બેંક ખાતાઓમાં આ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે ગુજરાત બહારના અન્ય રાજ્યોના હોવાનું સામે આવ્યું છે. હાલ પડધરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસનો હાથ ધરી છે.