રાજકોટમાં એક મહિના પહેલા સાધુવાસવાણી રોડ પર માતા-પિતા અને પુત્રના સામૂહિક આપઘાતના ચકચારી બનાવમાં નવો ખુલાસો થયો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે સંદિપ લખતરીયા સામે મરવા માટે મજબૂર કરવાના આક્ષેપસર ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે નિશિત ખખ્ખરે પોતાની બે સોનાની વીંટી ફાઇનાન્સમાં મૂકી લોન લીધી હતી. બાદમાં સંદિપ લખતરીયાએ રૂપિયા આપી આ વીંટી છોડાવી પોતાની પાસે રાખી હતી અને નિશિતને પોતાની ઓફિસે બોલાવી રૂ.97,000ની માંગણી કરી હતી. પરિવારના સામૂહિક આપઘાતના આ કેસમાં આપઘાત કરતાં પહેલાનું પિતા-પુત્ર વચ્ચે ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સામે આવ્યું છે.
સંદીપે નિશિતને ઓફિસમાં ગોંધી રાખ્યો, માત્ર એક-દોઢ કલાકનો સામે માંગ્યો છતાં ન જવા દીધો આ કેસમાં PWDના નિવૃત કર્મચારી મૃતક દિલીપભાઈ ખખ્ખરના કૌટુંબિક ભત્રીજા ભાવિનભાઈ રસિકભાઈ ખખ્ખરે આરોપી સંદિપ લખતરીયા સહિત તપાસમાં ખુલનારા લોકો સામે કાકા દિલીપભાઈ, કાકી સ્મિતાબેન અને તેના પુત્ર નિશિતને આત્મહત્યાની દુષ્પ્રેરણાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, નિશિતને એસ્ટ્રોન ચોક સ્થિત લેન્ડમાર્ક બિલ્ડિંગમાં આવેલી ઓફિસમાં બેસાડી રાખવામાં આવ્યો હતો. રૂપિયા ચૂકવવાની વ્યવસ્થા ન થતાં નિશિતે ત્યાંથી પોતાના પિતા દિલીપભાઈને ફોન કર્યો હતો અને સંદિપ સાથે વાત કરાવી હતી.
ફરિયાદમાં આક્ષેપ છે કે સંદિપે રકમ ચૂકવવા માટે દબાણ કર્યું હતું અને પૈસાની વ્યવસ્થા ન થાય તો નિશિતને ઓફિસમાંથી જવા નહીં દેવાની વાત કરી હતી. મોબાઇલમાં રહેલા રેકોર્ડિંગ મુજબ નિશિતે સંદિપ પાસે બીજા દિવસ સુધીનો સમય માંગ્યો હતો અને પ્રોમિસરી નોટ કરી આપવાની વાત કરી હતી. જોકે, સંદિપ તૈયાર ન થતાં નિશિતે માત્ર કલાક કે દોઢ કલાકનો સમય આપવા વિનંતી કરી હતી. તેણે પિતાને જણાવ્યું હતું કે પોતાને ઓફિસમાંથી જવા દેવામાં આવતો નથી અને મોબાઇલમાંથી ગમે તેમ કરીને રૂપિયા મેળવવા માટે કહેવામાં આવ્યું છે.