રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધોરાજી શહેર વિસ્તારમાંથી 6 જુગારીઓને પકડી પાડ્યા છે. આ જુગારીઓ ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 1,90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે LCB દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી.
પોલીસને બાતમી મળી હતી કે ધોરાજી કોલેજ પાસે રહેતો ભાવેશભાઈ બાબુભાઈ જાગાણી, ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર આવેલા પોતાના પ્લાસ્ટિકના કારખાનાની ઓફિસમાં જુગારનો અખાડો ચલાવી રહ્યો છે. તે બહારથી માણસો બોલાવી તેમને સુખ-સુવિધા પૂરી પાડી ગંજીપાના અને પૈસા વડે તીનપત્તીનો જુગાર રમાડતો હતો.
આ બાતમીના આધારે LCB ટીમે દરોડો પાડી 6 લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા. તમામ આરોપીઓ વિરુદ્ધ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી માટે તેમને સોંપવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓમાં ભાવેશભાઈ બાબુભાઈ જાગાણી, પરેશભાઈ લાલજીભાઈ બેરા, નરેશભાઈ ગોરધનભાઈ સંભવાણી, સંજયભાઈ હરસુખભાઈ ગોટેચા, વિનોદભાઈ લાલજીભાઈ બેરા અને પ્રફુલ્લભાઈ નરશીભાઈ ગૌતમીનો સમાવેશ થાય છે.