રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી મોટા 5 દિવસીય પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાનો રેસકોર્સ મેદાન ખાતે સામાજિક સમરસતાના સંદેશ સાથે મહિલા સફાઈ કામદારના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. જોકે, જાહેર જનતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી દ્વારા ચકાસણી પ્રક્રિયા કડક બનાવવામાં આવતાં ઉદ્ઘાટનના 4 કલાક પૂર્વે એક પણ યાંત્રિક રાઈડ્સને મંજૂરી ન મળવાને કારણે સતત બીજા વર્ષે લોકમેળો ‘ચકડોળે’ ચડ્યો છે.
જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે પબ્લિક સેફ્ટી સાથે કોઈ સમાધાન નહીં કરવાની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, તમામ જરૂરી દસ્તાવેજો અને સુરક્ષા માપદંડોની ચકાસણી પૂર્ણ થયા બાદ જ 34 પૈકી મંજૂરીપાત્ર રાઈડ્સ શરૂ કરવામાં આવશે.
શહેરમાં યોજાતા લોકમેળામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. આ 5 દિવસીય મેળામાં 15 લાખ લોકો આવવાનો અંદાજ છે ત્યારે દિવ્ય ભાસ્કર રાજકોટના મેળામાં આવતા લોકોને ખાસ જણાવી રહ્યું છે કે આસાનીથી લોકમેળામાં કેવી રીતે પહોંચી શકશે. જો કોઈ લોકો રાજકોટ રેલવે જંકશન ખાતે ઉતરે તો ત્યાંથી તેઓ રિક્ષા અથવા ચાલીને રેસકોર્સ મેદાન સ્થિત મેળામાં પહોંચી શકે છે. રેલવે જંકશનથી લોકો રૂડા બિલ્ડીંગ રસ્તેથી પોલીસ હેડક્વાર્ટર તરફ પહોંચી મેળામાં પ્રવેશ મેળવી શકે છે. જ્યારે બસપોર્ટથી કોઈ લોકો મેળા સુધી પહોંચવા માંગતા હોય તો તેઓ રિક્ષા અથવા સિટીબસ મારફત જિલ્લા પંચાયત ચોક સુધી પહોંચી શકે છે અને તેઓ ત્યાંથી ચાલીને મેળામાં પ્રવેશ મેળવી શકે છે.