રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માત, દુર્ઘટના અને ગુનાખોરીની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. નાકરાવાડી ખાતે આવેલી મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર કચરો વીણવા ગયેલી 30 વર્ષીય મહિલાનું કચરાગાડીમાંથી પતરું વાગતાં કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે શાપર નજીક કારખાનાના શેડમાં રમતું 7 મહિનાનું માસૂમ બાળક હીંચકામાંથી નીચે પટકાતાં ગંભીર ઇજાના કારણે મોતને ભેટ્યું હતું. આ ઉપરાંત કાલાવડ રોડ પર માત્ર ‘સામે કેમ જોયું?’ જેવી નજીવી બાબતે રસ્તા પર બબાલ કરી એક માલધારી યુવકને ઢોરમાર મારી છરીની અણીએ ચાંદીનું કડું અને સોનાની કળી લૂંટી લેવાનો બનાવ બનતાં પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નાકરાવાડી વિસ્તારમાં રહેતી 30 વર્ષીય અલ્પાબેન મહેશભાઇ પાડલીયા નામની મહિલા ગઈકાલે સ્થાનિક RMC ડમ્પિંગ સાઇટ પર અન્ય મહિલાઓ સાથે પ્લાસ્ટિક, કાચની બોટલો અને પૂંઠા જેવો કચરો વીણવા ગઈ હતી. કચરાગાડીમાંથી કચરો ઠાલવવામાં આવી રહ્યો હતો ત્યારે અલ્પાબેન વાહનની નજીક ઊભા હતા. તે સમયે કચરા સાથે અચાનક ધસી આવેલું એક ધારદાર પતરું તેમની કમરના ભાગે જોરદાર વાગી જતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે કુવાડવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
શાપરમાં હીંચકામાંથી પટકાયેલા 7 મહિનાના માસૂમ બાળકે દમ તોડ્યો બીજી એક કરુણ દુર્ઘટનામાં, રાજકોટ નજીક આવેલા શાપરના ટીલાળા ચોક પાસે રામજીભાઇ વેકરીયાના શેડમાં રહીને મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક ઇરાભાઇ ભુરીયાનો 7 મહિનાનો માસૂમ પુત્ર રિતેશ હીંચકામાં બેસીને રમી રહ્યો હતો. રમતા રમતા અચાનક હીંચકામાંથી નીચે પટકાઈ જતાં બાળકને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવારજનો તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને બાળકને મૃત જાહેર કર્યો હતો. શાપર પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક વિગતો મુજબ મૃતક બાળક બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાનો હોવાનું સામે આવ્યું છે.