આજે નાગપાંચમ છે ત્યારે ગુજરાતનું એક માત્ર કેન્દ્ર અને ભારતના તમિલનાડુ બાદ બીજા નંબરના ધરમપુર સાપ ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ કેન્દ્રમાં અંદાજે 471 જેટલા અતિઝેરી સાપો રાખવામાં આવ્યા છે. જે સાપોમાંથી 68.57 ગ્રામ ઝેર કઢાયુ છે. જે ઝેરને તેલંગાણાની કંપનીને અપાયું છે. ગુજરાતના સ્થાનિક ઝેરના આધારે વધુ અસરકારક પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-વેનમ વિકસાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
ધરમપુરના વર્તમાન સર્પ સંશોધન કેન્દ્રને વધુ વિસ્તૃત કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારે વલસાડ જિલ્લામાં આશરે 2.25 હેક્ટર જમીન ફાળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. અહીં આધુનિક સંશોધન લેબોરેટરી, વિશાળ સર્પગૃહ, તાલીમ સુવિધા અને સામાન્ય લોકો માટે જાગૃતિ કેન્દ્ર ઊભું કરવાની યોજના છે. આ સમગ્ર વિસ્તરણ માટે અંદાજે રૂ. 11.68 કરોડની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. પ્રોજેક્ટ સાકાર થાય તો ધરમપુર માત્ર સાપોના ઝેરનું સંકલન કરતું કેન્દ્ર નહીં રહે. સર્પદંશ, સાપોની ઓળખ, ઝેરનું સંશોધન, સર્પ સંરક્ષણ, રેસ્ક્યૂ તાલીમ અને જનજાગૃતિ માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે.
વલસાડના ધરમપુર સ્થિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) દ્વારા ગુજરાતમાં જોવા મળતા ચાર મુખ્ય ઝેરી સાપ ભારતીય નાગ, કાળોતરો, ખડચિતળો અને ફુરસાના ઝેરનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ, પ્રોસેસિંગ અને લાયોફિલાઇઝેશન કર્યા બાદ કુલ 68.57 ગ્રામ ફ્રીઝ-ડ્રાઇડ ઝેરનો જથ્થો તેલંગાણાની લાઇસન્સ પ્રાપ્ત ફાર્માસ્યુટિકલ કંપની મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડને સોંપવામાં આવ્યો છે