દિલ્હીથી કટરા વૈષ્ણોદેવીની સફર હવે માત્ર 6 કલાકમાં પૂર્ણ થશે

રોડ માર્ગે માતા વૈષ્ણોદેવીના દર્શને જતા દેશભરના લાખો શ્રદ્ધાળુઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીથી કટરા વચ્ચે અત્યાધુનિક સિક્સ લેન એક્સપ્રેસવેનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલના સમયમાં દિલ્હીથી કટરા પહોંચવા માટે મુસાફરોને 12થી 13 કલાક જેટલો લાંબો સમય લાગે છે, પરંતુ આ નવો હાઇવે કાર્યરત થયા બાદ માત્ર 6 કલાકમાં જ આ અંતર કાપી શકાશે. સમય અને ઇંધણની મોટી બચત કરાવતો આ મહત્વકાંક્ષી હાઇવે પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી આગામી સમયમાં જનતા માટે ખુલ્લો મૂકવાનું આયોજન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

રૂ. 11,000 કરોડના ખર્ચે 4 ફેઝમાં ચાલી રહી છે હાઇવેની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના ઉધમપુર (PIU) ડાયરેક્ટર ઈશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, દિલ્હી-કટરા એક્સપ્રેસવે અંતર્ગત જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં 150 કિલોમીટર લાંબો માર્ગ આવે છે. આ પ્રોજેક્ટનું સમગ્ર નિર્માણ કાર્ય કુલ 4 અલગ-અલગ ફેઝમાં વહેંચવામાં આવ્યું છે. અંદાજે રૂ. 11,000 કરોડના જંગી ખર્ચે તૈયાર થઈ રહેલા આ સિક્સ લેન હાઈવેની કામગીરી હાલ ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે અને તેનું લોકાર્પણ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે દિશામાં ઝડપથી કામ આગળ વધી રહ્યું છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે કનેક્ટિવિટી મળતાં ગુજરાતને મોટો લાભ થશે આ પ્રોજેક્ટ સાથે અન્ય એક મહત્વપૂર્ણ બાબત એ છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો મોટો હિસ્સો ગુજરાત રાજ્યમાંથી પસાર થાય છે અને તેનું કામ પણ નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. આ હાઇવે પ્રોજેક્ટ પૂર્ણ થઈને દિલ્હી-કટરા રોડ સાથે સીધો કનેક્ટ થઈ જતાં ગુજરાત અને પશ્ચિમ ભારતના પ્રવાસીઓ તેમજ યાત્રાળુઓ માટે માતા વૈષ્ણોદેવી અને જમ્મુ-કાશ્મીર પહોંચવું વધુ સરળ, સલામત અને ઝડપી બની જશે.

જમ્મુ-શ્રીનગર વચ્ચે 8 કિમી લાંબી બીજી સમાંતર ટનલનું આયોજન બીજી તરફ, જમ્મુ અને શ્રીનગર વચ્ચે વધી રહેલા વાહન વ્યવહાર અને ટ્રાફિક જામની સમસ્યાના કાયમી ઉકેલ માટે પહાડો કાપીને 8 કિલોમીટર લાંબી બીજી સમાંતર ટનલ બનાવવા અંગે પણ ગંભીર વિચારણા ચાલી રહી છે. અગાઉ બંને શહેરો વચ્ચેનો પ્રવાસ સુગમ બનાવવા માટે વર્ષ 2017 માં 8.2 કિલોમીટર લાંબી ચેનાની-નાશરી ટનલ ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં દર 75 મીટરે સીસીટીવી કેમેરા અને દર 300 મીટરે ઈમરજન્સી એક્ઝિટની સુવિધા છે. આ ટનલના નિર્માણથી જમ્મુ-શ્રીનગર વચ્ચેનું અંતર 30 કિલોમીટર જેટલું ઘટી ગયું છે અને પ્રવાસમાં દોઢ કલાકનો સમય બચે છે, જેથી હવે વધતા ટ્રાફિકને પહોંચી વળવા નવી સમાંતર ટનલનું આયોજન વિચારાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *