રાજકોટના ગુંદાવાડી મેઇન રોડ પર આસોપાલવ કપડાંની દુકાનમાં ખરીદી બાબતે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફરિયાદ મુજબ, મહિલાએ પસંદ કરેલા કપડાંનું બિલ બનાવવાના મુદ્દે બોલાચાલી થતાં મહિલા કાજલબેન, તેના પતિ મેહુલભાઈ ચૌહાણ તેમજ તેમના મળતિયાઓએ દુકાનમાં આવી પહોંચ્યા હતા અને દુકાનદાર પ્રશાંતભાઈ દેસાઈ અને તેમના ભાઈ આશિષભાઈ સાથે મારામારી કરી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, મારામારીમાં દુકાનદારને હાથ તથા ખંભાના ભાગે તેમજ તેના ભાઈને હાથ અને માથાના ભાગે ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુકાનદારે મહિલાના પતિ, તેના સંબંધીઓ સહિતના લોકો સામે ધોરણસરની કાર્યવાહી કરવા ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વૃધ્ધા પર્સની ખરીદી કરવા ગયા ને’ સોનાનો ચેન ચોરાઈ ગયો શહેરમાં એક વૃધ્ધા પર્સની ખરીદી કરવા દુકાનમાં ગયા અને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં રહેલી બે મહિલાઓ સોનાનો ચેન ચોરી ગયાની ઘટના સામે આવી છે. શહેરના શીતલ પાર્ક પાસેની દ્વારકા હાઈટમાં રહેતા 80 વર્ષીય નિરંજનાબેન ખાખરા 27 ઓગસ્ટના બપોરના સમયે એસ.કે.ચોક મેઈન રોડ પર આવેલી દ્વારકેશ ઝોન નામની કટલેરીની દુકાનમાં પર્સની ખરીદી કરવા માટે ગયા હતા જોકે આ દરમિયાન ત્યાં મોઢા પર દુપટ્ટો બાંધી આવેલી બે મહિલાઓએ નજર ચૂકવી વૃદ્ધાના ગળામાંથી રૂ.1.50 લાખની કિંમતનો સોનાનો ચેન સેરવી લીધો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
રાજકોટના રેસકોર્સ રીંગરોડ પર એકટીવા પર જતા વૃદ્ધને પૂરપાટ ઝડપે જતી કારે હડફેટે લીધા હતા જેને લીધે વૃદ્ધને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું 12 દિવસની સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. જેથી વૃધ્ધના પિતા એવા વેપારીએ અકસ્માત સર્જતા કારચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, શહેરની શ્રેયશ સોસાયટી મેઇન રોડ ઉપર રહેતા અને સ્ટાર પ્લાઝામાં મહાલક્ષ્મી એગ્રી કોમોડિટીઝ નામે ઓફિસ ધરાવતા વેપારી અભિષેક રાયચુરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે પિતા અને કાકા સાથે વેપાર કરીએ છીએ. ગત તા.8 ઓગસ્ટના સાંજના સમયે 63 વર્ષીય પિતા પ્રકાશભાઈ હમણાં આવું છું તેમ કહી એકટીવા લઈને ઘરે પડ્યા હતા. ત્યારબાદ રેસકોર્સ રીંગરોડ ઉપર પહોંચતા પાછળથી કાર ચાલક (નં.CH 01 AJ 7141) એ હડફેટે લીધા હતા. જે બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને આઇસીયુમાં પણ રાખવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નિવડી ન હતી અને તેમને ગત 20 ઓગસ્ટના દમ તોડી દેતા મૃત્યુ નીપજ્યું હતું. જોકે એ ડિવિઝન પોલીસે ગૂનો નોંધી કારચાલકને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.