રાજકોટ શહેરના પોશ ગણાતા કાલાવડ રોડ પર આવેલી જાણીતી જડ્ડુસ હોટેલ નજીક મોડી રાત્રે કાર અને ઇલેક્ટ્રિક મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં ડોમિનોઝ પિત્ઝામાં ડિલિવરી બોય તરીકે ફરજ બજાવતો નિતિન પુંજાણી નામનો યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પૂરપાટ ઝડપે આવતી કારે ઇલેક્ટ્રિક મોપેડને જોરદાર ટક્કર મારતાં યુવક રોડ પર પટકાતાં તેને માથા, કાન, આંખ તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ યુવકને માથાના ભાગે હેમરેજ થઈ જતાં તે બેભાન હાલતમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
રાત્રે 1 વાગ્યે ટર્ન લેતી વખતે કારે મોપેડને જોરદાર ટક્કર મારી પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રિના આશરે 1:00 વાગ્યાના સુમારે કાલાવડ રોડ પર જડ્ડુસ હોટેલ નજીક નિતિન પોતાની ઇલેક્ટ્રિક મોપેડ (નંબર GJ-03-PF-6049) લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી GJ-20-CA-4970 નંબરની ફોર વ્હીલર કારના ચાલકે ડાબી તરફ ટર્ન લેતી વખતે બેદરકારીપૂર્વક વાહન હંકારીને મોપેડને જોરદાર અડફેટે લીધું હતું. અકસ્માતનો અવાજ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર એકઠા થઈ ગયા હતા. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા કરીમભાઈ હેમાણી સહિતના રાહદારીઓએ માનવતા દાખવી ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં પડેલા નિતિનને તાબડતોબ સારવાર અર્થે વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
યુવકને માથામાં હેમરેજ થતાં હાલત નાજુક, પિતાએ નોંધાવી ફરિયાદ હોસ્પિટલમાં ફરજ પરના તબીબો દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવતાં નિતિનને માથાના ભાગે ગંભીર હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. આ ઉપરાંત તેને કાન, જમણી આંખ અને જમણા પગના ગોઠણના ભાગે ઊંડી ઇજાઓ થઈ હોવાથી હાલ તે આઇસીયુમાં બેભાન અવસ્થામાં સઘન સારવાર હેઠળ છે. બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવકના પિતા નિઝારભાઈ અબ્દુલભાઈ પુંજાણીએ અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને કાર નંબરના આધારે ચાલકની ઓળખ કરી આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી છે.