રાજકોટ શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી મનહર સોસાયટીમાં રહેતા અને ઇલેક્ટ્રિકનું કામકાજ કરતા 25 વર્ષીય સાગર રાજેશભાઈ ભગલાણી નામના યુવકનો મૃતદેહ આજે લાલપરી તળાવમાંથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવાન પોતે પોતાના કાકાનું બાઈક લઇ બે દિવસ પૂર્વે હમણાં આવું છું કહી ઘરેથી નીકળી ગયો હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગત 25.08.2026ના રોજ રાત્રે સાગર રાજેશભાઈ ભગલાણી (ઉ.વ.25) પોતાના પરિવારજનોને ‘હું હમણાં આવું છું’ તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો પરંતુ કલાકો વિત્યા બાદ પણ તે મોડે સુધી પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને સંબંધીઓ, મિત્ર વર્તુળ તેમજ આસપાસના તમામ વિસ્તારોમાં તેની સતત શોધખોળ હાથ ધરી હતી જો કે બે દિવસ બાદ પણ સાગરનો કોઈ પત્તો ન મળતાં આખરે ગઈકાલે પરિવારજનો દ્વારા રાજકોટ બી ડિવિઝન પોલીસમાં ગુમ થયો હોવાની સત્તાવાર નોંધ કરાવવામાં આવી હતી.
દરમિયાન આજે લાલપરી તળાવ કિનારેથી એક મોટરસાયકલ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું પોલીસે બાઈકના રજિસ્ટ્રેશન નંબરના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું હતું કે આ બાઈક સાગરના કાકા કલ્પેશભાઈનું છે અને સાગર ઘરેથી આ જ બાઈક લઈને નીકળ્યો હતો. તળાવ કિનારેથી બાઈક મળી આવતાં જ બનાવની ગંભીરતા સમજી પોલીસે તળાવના પાણીમાં શોધખોળ શરૂ કરાવી હતી. જે બાદ આજે સાગરનો મૃતદેહ પાણીમાંથી મળી આવતા પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.