નેપાળ અને તિબેટ ક્ષેત્રમાં આવેલા વિનાશક ભૂકંપના કારણે સર્જાયેલી ફ્લડની પરિસ્થિતિને પગલે મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. આ કુદરતી આપદાના કારણે નેપાળમાં ભારે અફરાતફરી સર્જાઈ છે, જેમાં અનેક લોકો લાપતા થયા છે, ત્યારે વિદેશ મંત્રાલય દ્વારા મળતી પ્રારંભિક વિગતો મુજબ 100થી વધુ ભારતીયો ફસાયા હોવાના એહેવાલ મળ્યા છે. જેને લઈને વડોદરા જિલ્લા અને રાજકોટ જિલ્લાના ફસાયેલા નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
વડોદરાના અસરગ્રસ્ત પરિવારો અને તેમના સગા-સંબંધીઓ હેલ્પલાઇન નંબર 7778826034 અને રાજકોટ જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1077 અથવા 0281 2471573 પર તાત્કાલિક સંપર્ક કરવો.
100થી વધુ ભારતીય લાપતા આ આપત્તિના સમયે કૈલાશ માનસરોવર યાત્રા અર્થે ગયેલા તેમજ નેપાળના વિવિધ પ્રવાસી સ્થળોએ હાજર રહેલા મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ત્યાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા મળતી પ્રારંભિક વિગતો મુજબ 100થી વધુ ભારતીયો ફસાયા હોવાના અધિકૃત અહેવાલ મળ્યા છે, જોકે રાજ્યવાર ફસાયેલા લોકોનું ચોક્કસ વર્ગીકરણ કરવાની કામગીરી હાલ પ્રક્રિયા હેઠળ છે.
વડોદરાના સાંસદ કાર્યાલય દ્વારા હેલ્પ સેન્ટર આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા લોકસભા વિસ્તારના નાગરિકોની સુરક્ષા અને સહાય માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. વડોદરા સાંસદ કાર્યાલય દ્વારા એક વિશેષ હેલ્પસેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જેથી વડોદરાના ફસાયેલા યાત્રાળુઓની ત્વરિત માહિતી મેળવી શકાય. અસરગ્રસ્ત પરિવારો અને તેમના સગા-સંબંધીઓ હેલ્પલાઇન નંબર 7778826034 પર નિર્ધારિત ફોર્મેટ મુજબ જરૂરી માહિતી મોકલી શકે છે.