યુપીના શામલીમાં બુધવારે સાંજે 32 વર્ષીય યુટ્યુબર અને હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની જીમની બહાર હત્યા કરવામાં આવી. હુમલાખોરોએ તેમના પર 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું. માથા અને પેટમાં 5 ગોળી વાગતા તેઓ પડી ગયા. પોલીસે તેમને હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા.
આ ઘટના સાંજે લગભગ 7 વાગ્યાની છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, 4 હુમલાખોરો પહેલેથી જ ઘાત લગાવીને બેઠા હતા. ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ હુમલાખોરોની ધરપકડ માટે રસ્તો જામ કરી દીધો છે. અંકિતની માતા તેમની લાશ ખોળામાં લઈને રસ્તા પર બેસી ગઈ છે. પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
એવું કહેવાય છે કે અંકિત જિલ્લા પંચાયત ચૂંટણીની તૈયારી કરી રહ્યા હતા. તેમની હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. તેઓ ભલે હરિયાણવી ગીતો માટે પ્રખ્યાત થયા હોય, પરંતુ તેમનો જન્મ શામલીમાં જ થયો હતો.
અંકિતે હત્યાના બરાબર એક કલાક પહેલા એટલે કે 6 વાગ્યે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તે ગાડીમાં બેસીને ‘મર્ડર માર દે સડક કે ઉપર’ ગીત ગાતો જોવા મળ્યો હતો.
અંકિત અવારનવાર ગન કલ્ચરને લઈને ગીતો બનાવતો હતો. તેનું ‘ભરી કોર્ટ મેં ગોલી મારેંગે’ ગીત 15 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થયું હતું. આ ગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી તે હરિયાણવી સંગીતની દુનિયામાં ચર્ચિત થયો. વર્ષ 2023માં શામલીમાં તેના રોડ શોની પણ ચર્ચા થઈ હતી.