ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને સમય વીતી ગયો હોવા છતાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજુ પણ પૂરતો વરસાદ નોંધાયો નથી. રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓ સહિત યાત્રાધામ વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સમયસર વરસાદ નહીં વરસે તો વાવેતર કરાયેલા પાકને નુકસાન થવાની સાથે ઉત્પાદન પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.
વીરપુર પંથકના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતમાં ઠીકઠાક વરસાદ થતાં ખેડૂતોએ મગફળી, કપાસ, સોયાબીન, મરચી સહિતના વિવિધ પાકનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ પાકના અંકુર ફૂટ્યા હોવા છતાં હવે વરસાદ ખેંચાતા અનેક ખેતરોમાં પાક મુરઝાવા લાગ્યો છે.
કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવે વાવેલા બીજ જમીનમાં જ પડ્યા રહેતા પાકનો યોગ્ય ઉગાવો પણ થયો નથી.
વરસાદ ખેંચાતા બોર, કૂવાના તળ ઊંડા ઉતર્યા વરસાદ ખેંચાતા કૂવા, બોર અને તળાવના પાણીના સ્તર પણ નીચે જતા રહ્યા છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે. મગફળીનો પાક પીળો પડવા લાગ્યો છે. પાકમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડી રહ્યો છે. મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિતના ખર્ચને કારણે ખેડૂતોનો એક વીઘે અંદાજે 70થી 80 ટકા જેટલો ખર્ચ થઈ ચૂક્યો છે. હવે સમયસર વરસાદ નહીં આવે તો કરવામાં આવેલો મોટો ખર્ચ વ્યર્થ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ઘાસચારાની પણ અછત સર્જાવાની ભીતિ કપાસના છોડ પણ વરસાદના અભાવે સુકાવા લાગ્યા છે અને આગામી સમયમાં ઉત્પાદન પર તેની સીધી અસર થવાની શક્યતા છે. બીજી તરફ વરસાદની ખેંચને કારણે પશુઓ માટે જરૂરી ઘાસચારાની અછત સર્જાવાની પણ ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે.ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવવામાં આવે અને પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે. જો સ્થિતિ ગંભીર હોય તો અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને જરૂરી રાહત અને સહાય આપવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે