‘ભાઈને બિકીનીમાં રાખડી બાંધશો?’

ક્રિતી સેનન તાજેતરમાં રક્ષાબંધન માટે બનેલી એક જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળી હતી. જાહેરાતમાં તેણે ઇન્ડો-વેસ્ટર્ન કપડાં પહેર્યા હતા, જેમાં બ્રાલેટ જેવું બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટનો સમાવેશ થતો હતો. આ લુક અને પેટ ડોગને રાખડી બાંધવાને લઈને સોશિયલ મીડિયા પર ક્રિતીને ખૂબ ટ્રોલ કરવામાં આવી. અધુરામાં પૂરું આ વિવાદમાં ભાજપ સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતે પણ વિવાદિત ટિપ્પણી કરી છે. જોકે, ક્રિતીએ પણ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

‘અંડરગાર્મેન્ટ્સમાં રાખડી બાંધશો?’

કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું- ‘મહિલા હોવા માટે આ શાનદાર સમય છે. આપણા કબાટ અનેક પ્રકારના કપડાંથી ભરેલા છે અને આજની મહિલા ગ્લોબલ મહિલા છે. કોકટેલ ડ્રેસથી લહેંગા ચોલી, જીન્સથી સાડી અને બિકીનીથી સલવાર-કમીઝ સુધી, આજે આપણી પાસે કપડાંના આટલા વિકલ્પો છે. તો પછી તમે તમારા ભાઈને બિકીની કે અન્ડરગાર્મેન્ટ્સમાં રાખડી શા માટે બાંધશો? તમારી પાસે સ્ટાઇલિંગના આટલા વિકલ્પો ક્યાં ગયા? હા હા, આ જાહેરાત જાણી જોઈને વિચિત્ર બનાવવામાં આવી હોય તેવું લાગે છે.’

વિવાદ વકરતા ક્રિતીએ આખરે મૌન તોડ્યું. તેણે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું કે, ‘તહેવારોનો સાચો અર્થ પહેરવેશમાં નહીં, પરંતુ પરંપરાઓ પ્રત્યેની ભાવનાઓમાં હોય છે.’ આ સાથે જ તેણે મહિલાઓના કપડાં પર સવાલ ઉઠાવનારાઓને પણ સણસણતો જવાબ આપ્યો છે.

ક્રિતી સેનને પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘એથનિક ફેશનમાં સમયની સાથે બદલાવ આવ્યો છે, પરંતુ આજે પણ મહિલાઓના પોતાની સંસ્કૃતિ પ્રત્યેના સન્માનને ફક્ત તેમના કપડાંથી માપવામાં આવે છે.’

એક્ટ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો કે, ‘સમાજ મહિલાઓને શું પહેરવું જોઈએ, તે કહેવાનું ક્યારે બંધ કરશે? સંસ્કૃતિ અને પરંપરાઓ માણસના હૃદયમાં હોય છે, તેની નેકલાઇનમાં નહીં.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *