ગોંડલના રહેવાસી અને ખેડૂત આગેવાન લક્ષ્મણભાઈ પટેલે પ્રાકૃતિક (ઓર્ગેનિક) ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને સચોટ માર્ગદર્શન પૂરું પાડવા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાસાયણિક ખાતરો પાછળ થતા મોટા આર્થિક ખર્ચને ઘટાડવા તેમણે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી ”જીવામૃત” બનાવવાની અને તેને આધુનિક પદ્ધતિથી ખેતરમાં આપવાની ટેકનિક અપનાવી છે.જેના થકી તેમણે ખર્ચ તો બચાવ્યો,સાથે સાથે ઉપજ પણ ઓર્ગેનિક મેળવી છે. અને તેમની આ પહેલ અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહન આપે તેવી છે.
જીવામૃત બનાવવાની સામગ્રી અને પદ્ધતિ લક્ષ્મણભાઈના જણાવ્યા મુજબ, એક બેરલ જીવામૃત તૈયાર કરવા માટે 200 લિટર પાણી, 10 કિલો ગાયનું છાણ, 10 લિટર ગૌમૂત્ર, 2 કિલો ચણાનો લોટ (બેસન), 2 કિલો ગોળ અને એક ખોબો વડ કે અન્ય ઝાડ નીચેની માટીની જરૂર પડે છે. આ બધી જ સામગ્રીને બેરલમાં નાખીને બરાબર મિક્સ કરવી અને દિવસમાં એકવાર ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવી.
ઉનાળામાં આ મિશ્રણ માત્ર 3 દિવસમાં, ચોમાસામાં 5 થી 6 દિવસમાં અને શિયાળામાં આ બંનેની વચ્ચેના સમયગાળામાં તૈયાર થઈ જાય છે. ઋતુ પ્રમાણે તેને 8 થી 12 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે અને બાદમાં તેનો પાકમાં ઉપયોગ કરી શકાય.