રાજકોટમાં મનપાની માલિકીનાં પ્લોટમાં જ ગેરકાયદે દબાણ હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટર દ્વારા સીનર્જી હોસ્પિટલ નજીક મનપાના એક ખાલી પ્લોટમાં દબાણ હોવાનો અને તેમાં ગેરકાયદેસર કૃત્યો ચાલી રહ્યા હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર ધૈર્ય પારેખ દ્વારા તાજેતરમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અને આ પ્લોટમાં અસામાજિક પ્રવૃત્તિઓ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જેને લઈને મેયર ડો નેહલ શુક્લ દ્વારા તાત્કાલિક પગલાં લેવાના આદેશો આપવામાં આવ્યા છે.
કોર્પોરેટર ધૈર્ય પારેખે જણાવ્યું હતું કે, નવા ચૂંટાયેલા કોર્પોરેટરો આવ્યા બાદ કામગીરીની દશા અને દિશા બદલાઈ છે. અમારા ધ્યાનમાં આવ્યું હતું કે 150 ફૂટ રિંગરોડ પર સીનર્જી હોસ્પિટલ પાસે મનપાના ખાલી પ્લોટમાં ગેરકાયદેસર રીતે દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે. અમે તમામ ચારેય કોર્પોરેટરોએ સાથે મળીને રૂબરૂ સ્થળ તપાસ કરી હતી. ત્યારે ત્યાં ગેરકાયદેસર દારૂનું વેચાણ કરવા જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું હતું. આ અંગે અગાઉ અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.