ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજકોટ શહેર પોલીસ સફાળી જાગી

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજકોટ શહેર પોલીસ સફાળી જાગી હોય તેમ દારૂના હાટડાઓ બંધ કરવા કમર કસી છે. છેલ્લા 3 દિવસમાં રાજકોટ શહેરમાં 130 કરતા વધારે દેશી અને વિદેશી દારૂના કબજાના કેસ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 2 માસમાં સૌરાષ્ટ્રમાં દારૂનો વેપલો ચલાવતી 2 ગેંગ સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી છે.

આ સાથે જ દારૂ, જુગાર કે અસામાજિક પ્રવૃતિઓ ચાલતી હોય અને તેની માહિતી આપશે તો તેમની માહિતી ગુપ્ત રાખી કાર્યવાહી કરવામાં આવશે. આ માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટેશન ઓફિસરના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજ્યના DGP દ્વારા અવારનવાર પ્રોહિબિશનની દૂષણને દૂર કરવા બાબતે તમામ જિલ્લાઓ અને શહેરોને સૂચના આપવામાં આવતી હોય છે. જે અંતર્ગત 18થી 21 ઓગસ્ટ સુધીમાં રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અડિશનલ CP ચૈતન્ન્ય માંડલિક દ્વારા તમામ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ, ચૉકી સ્ટાફ, ફીલ્ડ સ્ટાફ તમામ ઝોનની LCB, અને PCB અને DCB ટીમોને સૂચના આપવામાં આવી હતી કે મેક્સિમમ જે જૂના લિસ્ટેડ બુટલેગર્સ છે અને જ્યાં ઈન્ફોર્મેશન મળે કે દારૂ વેચાઈ રહ્યો છે તો ત્યાં રેડ કરીને કડકમાં કડક પગલાં લેવામાં આવે.

દેશી-વિદેશી દારૂના કબજાના 130 કેસ દાખલ રાજકોટમાં છેલ્લા 3 દિવસમાં દારૂ પીવાના 8 અને દેશી-વિદેશી દારૂના કબજાના 130 કેસ શહેરમાં દાખલ થયા છે. જે રેડ આવનાર દિવસમાં પણ ચાલુ રહેવાની છે. આ ઉપરાંત છેલ્લા બે મહિનામાં કડક પગલાંની વાત કરીએ તો રાજકોટ શહેર પોલીસ દ્વારા બે મહિનામાં 2 એવી ગેંગ જે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પ્રોહિબિશનનો ધંધો કરતી હતી અને જે યુવાનોને નશાના રવાડે ચડાવતી હતી એવી ગેંગ્સ ઉપર ગુજસીટોક (GCTOC) એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય પાસા, તડીપાર અને પ્રોહોબિશન એક્ટ હેઠળ પણ પગલાં લેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *