2017માં દુનિયાની સૌથી મૂલ્યવાન રિયલ એસ્ટેટ કંપની બનેલી ચીનની એવરગ્રાન્ડને કોર્ટે શુક્રવારે દિવાળિયું જાહેર કરી દીધું છે. આ પહેલા ગુરુવારે છેતરપિંડીના કેસમાં કંપનીના ફાઉન્ડર હુઈ કા યાનને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. કંપની પર લગભગ ₹28 લાખ કરોડનું દેવું હતું.
એવરગ્રાન્ડના સ્થાપક હુઈ કા યાનની વાર્તા એક ગરીબ ગામડાના છોકરાની છે જે શહેરી સપનાનો સોદાગર બનીને ચીનનો સૌથી ધનિક માણસ બન્યો. તેણે ‘એવરગ્રાન્ડ’ નામનું એક વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું, જે ગગનચુંબી ઇમારતો બનાવતું હતું, ફૂટબોલ ક્લબ ખરીદતું હતું.
મોડેલ સરળ હતું – જમીન ખરીદો, પાયો નાખતા પહેલા જ કાગળો પર આખા ફ્લેટ વેચી દો અને ગ્રાહકો પાસેથી મળેલા તે એડવાન્સ પૈસાથી આગલો પ્રોજેક્ટ શરૂ કરી દો. પરંતુ તાશના પત્તાથી બનેલા આ મહેલનો પાયો બેફામ દેવા પર ટકેલો હતો. જ્યારે સરકારે દેવાના નળ બંધ કર્યા, ત્યારે સામ્રાજ્ય ધડામ દઈને તૂટી પડ્યું.
280 શહેરોમાં ફેલાયેલા 1,300 અધૂરા પ્રોજેક્ટ્સ અને 300 અબજ ડોલર એટલે કે લગભગ ₹28 લાખ કરોડના દેવાનો પહાડ છોડીને એવરગ્રાન્ડ આખરે ઇતિહાસના પાનામાં દફન થઈ ગયું. સ્થાપક હુઈ કા યાનને અદાલતે નાણાકીય છેતરપિંડીમાં આજીવન કેદની સજા સંભળાવીને જેલમાં મોકલી દીધા અને બીજા જ દિવસે ગુઆંગડોંગની અદાલતે કંપનીને સંપૂર્ણપણે બંધ કરવાના આદેશ પર મહોર લગાવી દીધી.