રાજકોટ શહેર SOG દ્વારા સતત બીજા દિવસે મેફેડ્રોન ડ્રગ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર વાંકાનેર ચોકડી પાસે પહોંચતા આરોપી મહાવીરસિંહ ઉર્ફે મહાવીર વાળાને ઝડપી તેની પાસેથી 24.940 ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવતા પોલીસે રૂ.74.820નું ડ્રગ તેમજ બલેનો કાર મળી રૂ.7.89 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી ચાર દિવસ પહેલા સેલ્ફ ડ્રાઈવમાં ગાડી ભાડે કરી રાજસ્થાનથી આ ડ્રગનો જથ્થો પોતે સેવન કરવા માટે લાવ્યો હોવાનું રટણ કરતો હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કાલાવડ રોડ પરથી 54.730 ગ્રામ MD સાથે તોસીફ આરીફ તુરીયાની ધરપકડ કરવામાં આવી હતી.
રાજકોટ શહેર SOG પીઆઇ એન.બી.ચૌધરી ટિમ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ MD ડ્રગ સાથે રાજકોટ આવી રહ્યો છે અને વાંકાનેર ચોકડી પાસે ઉભો રહેવાનો છે જેથી પોલીસે કુવાડવ નજીક વાંકાનેર ચોકડી પાસે વોચ ગોઠવી જીજે.03.પીએમ.5445 નંબરની બલેનો કાર આવતા તેમાંથી ઉતરેલા શખ્સને અટકાવી તેનું નામ પૂછતાં મહાવીરસિંહ ઉર્ફે કાઠી ઉર્ફે મહાવીર વાળા હોવાનું જણાવ્યું હતું જેની અંગજડતી લેતા તેની પાસેથી 24.940 ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવતા ડ્રગ તેમજ મોબાઈલ ફોન અને બલેનો ગાડી મળી કુલ રૂ.7.89 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.