રાજકોટના ગાયત્રીનગર મેઈન રોડ પર આવેલા ગોપાલનગરમાં માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં ભારે અરેરાટી સાથે કલ્પાંત વ્યાપી ગયો છે. બીમારીના કારણે પિતાનું નિધન થયા બાદ તેમના વિયોગમાં માતાએ આપઘાત કરી લીધો હતો. આ આઘાતમાં બે દિવસ બાદ માતાના બેસણાંના આગલા દિવસે જ ૨૮ વર્ષીય મોટા પુત્ર કરણે પણ ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી લીધી છે.
પરિવારના મોભી હિતેશભાઈ અમરશીભાઈ પરમારનું ગત 18 જૂન 2026ના રોજ ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ સતત આઘાતમાં રહેતાં તેમના પત્ની પારુલબેન પરમારે 17 ઓગસ્ટ 2026ના રોજ ઘરે ઘઉંમાં રાખવાનો ઝેરી પાવડર ગટગટાવી આપઘાત કરી લીધો હતો.
માત્ર બે મહિનામાં માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી દેતાં 28 વર્ષીય મોટો પુત્ર કરણ હિતેશભાઈ પરમાર ગંભીર માનસિક ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. 20 ઓગસ્ટના રોજ માતાનું બેસણું યોજાય તે પૂર્વે જ કરણે ગોંડલ ચોકડી નજીક વિરાણી અઘાટ પાસે આવેલા પોતાના ગેસ વેલ્ડિંગના કારખાને સેલ્ફોસ નામની ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલા કરણનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે ભક્તિનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.