ગુજરાત સરકારના સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમના અભિગમ હેઠળ રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગ આપવાના ઉદ્દેશ સાથે જસદણ એસ.ટી. બસ સ્ટેશન ખાતે એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માન્ય ત્રણેય યુનિયનના આગેવાનો, ટ્રાફિક ઇન્સ્પેક્ટર વાઘુભા ઝાલા તેમજ ડેપો સ્ટાફની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોજાયો હતો.
આ અભિયાનમાં લોકભાગીદારી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જસદણની યુનિક સ્કૂલના શિક્ષકો તુષારભાઈ, હિતેશભાઈ સહિતના શિક્ષકગણ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા જસદણ શહેરના મુખ્ય બજારમાં એક ભવ્ય સ્વચ્છતા રેલી કાઢવામાં આવી હતી. આ ઉપરાંત, ડેપો પરિસરમાં મુસાફર જનતાને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા એક પ્રેરણાદાયી નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
સમગ્ર સ્ટાફ અને ઉપસ્થિત સૌએ આપણું બસ સ્ટેશન, સ્વચ્છ બસ સ્ટેશન ના સૂત્ર સાથે ડેપો પરિસરને કાયમી ધોરણે સ્વચ્છ રાખવાના સામૂહિક શપથ લીધા હતા. આ તકે વિદ્યાર્થીઓને એસ.ટી. નિગમની વિવિધ કામગીરી અને ક્ષેત્રો વિશે વિસ્તૃત માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.
ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામીએ યુનિક સ્કૂલ મેનેજમેન્ટ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને એસ.ટી. કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ જાહેર કરી હતી.