મરચાની ભૂકી છાંટી 12 લાખની લૂંટ કરનારા 3ની ધરપકડ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 14 વર્ષ જુના લૂંટના ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2012માં હોસ્પિટલ ચોક નજીક વેપારીને આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટી 12 લાખની લૂંટ કેસમાં આરોપીઓ દ્વારા ભાગબટાઈ કર્યા બાદ એક આરોપીએ રૂપિયાની જરૂરિયાત હોવાથી 2.50 લાખ વધુ લીધા હતા અને આ પછી આજ દિવસ સુધી આ રૂપિયા પરત ન આપ્યા હતા અચાનક બાકીના બે આરોપીએ લૂંટની ભાગ બટાઇમાં બાકી રહેલ રૂપિયાની માંગણી કરતા બંનેને ભાગના 2.50 લાખ પરત આપવા આવતા ત્રણેયને ઝડપી પાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. 2012 પછી અન્ય ગુનામાં પોલીસે ધરપક કરી હતી, પરંતુ આ સમયે ઊંડાણ પૂર્વક પુછપરછ ન થતા પોલીસ આરોપીઓ પાસેથી લૂંટના ગુનાની કબૂલાત કરાવી શકી ન હતી. હોસ્પિટલ ચોક નજીક લૂંટમાં સક્સેસ જતા 6 મહિના પછી પ્રદ્યુમનનગર પોલીસ વિસ્તારમાં પણ આ જ મોડેસ ઓપરેન્ડીથી લૂંટ ચલાવી હતી અને પોલીસના હાથે ઝડપાઇ ચુક્યા હતાં. જોકે આ સમયે એ ડિવિઝન વિસ્તારમાં થયેલ લૂંટ અંગે પોલીસ સમક્ષ કબૂલાત આપી ન હતી.

રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, બાતમી મળી હતી કે, પોપટપરામાં સેન્ટ્રલ વેર હાઉસથી આગળ, કૈલાશધામ સ્મશાનની સામે આવેલા આંગણવાડી પાસેના એક કોમર્શિયલ કૉમ્પ્લેક્સના પાર્કિંગમાં ત્રણ શખ્સો લૂંટની રકમની ભાગબટાઈ કરવા એકઠા થવાના છે, જેથી સ્થળ પર દરોડો પાડી પોલીસે શંકાસ્પદ હાલતમાં ઊભેલા ત્રણ શખ્સોની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા આ ત્રણેય શખ્સોએ પોતાનું નામ અબ્ઝલ ઉર્ફે સદ્દામ દલવાણી, રાકેશ ઉર્ફે બીટુ ચુડાસમા અને ઇકબાલ શેખ હોવાનું જણાવ્યું હતું અને તેમને વર્ષ 2012માં રૂપિયા 12 લાખની લૂંટની એક ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *