રાજકોટનાં અટલ સરોવરમાં વધુ 42 દુકાનો શરૂ થવા જઈ રહી છે. જેના કારણે ખાણી-પીણી સહિત અનેક વસ્તુઓ ત્યાં જ મળતા ત્યાં આવતા સહેલાણીઓને લાભ મળશે. મનપાએ અટલ સરોવર ખાતે બનાવવામાં આવેલી 42 દુકાનોને ત્રણ વર્ષના સમયગાળા માટે ભાડે આપવાનો નિર્ણય કર્યો છે. આ દુકાનોનું ઇ-ઓક્શન આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાશે, જેના માટે મનપા દ્વારા રી-ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.
અગાઉ પણ મહાનગરપાલિકા દ્વારા દુકાનોને ભાડે આપવા અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે કોઈ પાર્ટીએ રસ નહીં લેતા પ્રક્રિયા રદ્દ થઈ હતી. હવે ફરી રી-ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી સપ્ટેમ્બર મહિનાના અંતમાં દુકાનોનું ઓનલાઇન ઇ-ઓક્શન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે 1 વર્ષનું ભાડું રૂ. 1,49,578 અને 3 વર્ષનું કુલ ભાડું રૂ. 4,48,734 નક્કી કરવામાં આવ્યું છે. રસ ધરાવતા વેપારીઓ 14 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ઓક્શન ફોર્મ ડાઉનલોડ કરી શકશે.
42 દુકાનોને ભાડે આપવાની કામગીરી શરૂ રાજકોટ મનપાના સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલા અટલ સરોવરમાં ખાણીપીણીના વેપારીઓ તથા અન્ય ધંધાર્થીઓને ઉપયોગી થઈ શકે તેવી જુદી જુદી સાઇઝની કુલ 42 દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2024માં અટલ સરોવરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેના તુરંત બાદ જ મહાનગરપાલિકા દ્વારા આ તમામ 42 દુકાનોને ભાડે આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.